સોમનાથ મંદિરમાં દબાણ રોકવા માટે દિવાલ પાંચથી છ ફૂટ ઊંચી પૂરતી છે: સુપ્રીમ કોર્ટ
Somnath Temple News : સોમનાથ મંદિર પરિસરની ફરતે બની રહેલી દીવાલનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આજે સોમવાર(28 એપ્રિલ 2025)ના રોજ તે અંગે સુનાવણી યોજાઈ હતી. અરજીકર્તાએ દાવો કર્યો છે કે 12 ફૂટની દીવાલ બનાવવામાં આવી રહી છે. અરજદારના વકીલે તેને 'ગ્રેટ વોલ ઑફ ચાઇના' ગણાવતાં વાંધો ઉઠાવતાં કહ્યું કે 'ખબર નથી પડી રહી કે અંદર શું ચાલી રહ્યું છે'. આ મામલે ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સનસનીખેજ માહોલ બનાવશો નહીં. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કહ્યું કે, 'સોમનાથ મંદિર પાસે એક વિધ્વંસ સ્થળ પર દબાણ રોકવા માટે બનાવવામાં આવી રહેલી દીવાલ પાંચથી છ ફૂટ ઊંચી હોવી જોઈએ'.
દબાણ રોકવા માટે પાંચથી છ ફૂટ ઊંચી દીવાલ પૂરતી છે
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવાઈએ કહ્યું કે '12 ફૂટની દીવાલ બનાવશો નહીં. જો તમે દબાણ રોકવા માંગો છો તો પાંચથી છ ફૂટની દીવાલ પૂરતી છે'. જેની સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે '12 ફૂટની દીવાલ બનાવવાનો દાવો અરજીકર્તા વકીલનું મૌખિક કથન માત્ર છે'. એસ જી મહેતાએ વધુમાં કહ્યું કે 'અમે કોઈ કિલ્લેબંધી નથી કરી રહ્યા કે કોઈ અંદર ન જઈ શકે. આ ગેરકાયદે દબાણથી બચવા માટે છે.' તો જસ્ટિસ ગવઈએ તુષાર મહેતાને કહ્યું કે આ અંગે સંબંધિત જિલ્લાધિકારીને નિર્દેશ આપવામાં આવે.
યથાસ્થિતિને બદલવાના પ્રયાસનો દાવો
અરજીકર્તા તરફથી સીનિયર ઍડ્વોકેટ સંજય હેગડેએ કહ્યું કે અધિકારી પરિસરની દીવાલ બનાવીને યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તુષાર મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ મામલે સુપ્રીમમાં આપેલા તેમના પહેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો. તુષાર મહેતાએ 31 જાન્યુઆરીએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે દબાણવાળી જમીન પર હિન્દુ ધાર્મિક અનુષ્ઠાનો સહિત કોઈપણ ગતિવિધિની મંજૂરી આપવામાં આવતી નથી. તેમણે સોમવારે કહ્યું કે સ્થિતિ પહેલાંની માફક છે.
મુદ્દાને સનસનીખેજ બનાવશો નહીં : સોલિસિટર જનરલ
સંજય હેગડેએ કહ્યું કે અધિકારી 12 ફૂટ ઊંચી દીવાલ બનાવી રહ્યા છે અને અરજીકર્તાને ખબર જ નથી કે અંદર શું થઈ રહ્યું છે. ખંડપીઠે કહ્યું કે 'તમને કેમ ખબર નહીં હોય? હવે તો દરેક જગ્યાએ ડ્રોન ઉપલબ્ધ છે. ત્યારે સંજય હેગડેએ કહ્યું કે 'આ એવું છે કે જેમ કે તમને ગ્રેટ વોલ ઑફ ચાઇના બનાવી દીધી હોય અને કહી રહ્યા છો કે અમે તેની રક્ષા કરી રહ્યા છીએ. તો તુષાર મહેતાએ જવાબ આપતાં કહ્યું કે 'આ ગ્રેટ વોલ ઑફ ચાઇના નથી. મહેરબાની કરીને મુદ્દાને સનસનીખેજ બનાવશો નહીં. અરજીકર્તાએ કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવી જોઈએ. પીઠે સુનાવણી માટે 20 મેની તારીખ નક્કી કરી છે.