વડોદરાના સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં દબાણોનો સફાયો : દબાણ હટાવ્યા બાદ "જેસે થે" પરિસ્થિતિ થતી હોવાના કિસ્સા
Demolition in Vadodara : વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા-ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર પણ લગાવાયેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા હતા. ત્યારે તમાશો જોવા ઉમટેલા કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાતા પોલીસે રોક્યા હતા. આમ પાલિકાની દબાણ હટાવોની કામગીરી આજે પણ સતત ચાલી હતી. જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક ત્રણ રસ્તા આસપાસ થી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. જોકે આ કાર્યવાહી દરમિયાન પાંચ ટ્રક જેટલા લારી ગલ્લા હોર્ડિંગો સહિત લોખંડની ફ્રેમો સહિત બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ છેલ્લા 20 દિવસથી શરૂ કરવામાં આવી છે. પરંતુ ફારસરૂપ બનેલી આ કાર્યવાહીમાં દબાણ હટાવવાની કાર્યવાહી બાદ પાલિકા ટીમ દબાણ હટાવીને જાય કે પછી તેના ગણતરીના કલાકોમાં જ જે તે જગ્યાએ પુન: દબાણ યથાવત થઈ જાય છે, ત્યારે આજે સંવેદનશીલ પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના રોડ રસ્તાની બંને બાજુના તથા બંને બાજુની ફૂટપાથ પરના કાચા પાકા હંગામી દબાણો સહિત લારી ગલ્લા અને ફૂટપાથ પર દુકાન નિર્દેશિત લોખંડની એંગલો અને ગર્ડર પર જાહેરાતના લગાડેલા બોર્ડ જેસીબી મશીન દ્વારા તોડીને દબાણ શાખા એ કબજે લીધા હતા. જાહેર રોડ રસ્તા અને ફૂટપાથ પરના દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લોકટોળા એકત્ર થતાં બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો. જોકે કેટલીક જગ્યાએ દુકાનદારો અને પથારાવાળા સહિત લારીઓવાળાએ રકજક અને ઘર્ષણનો પ્રયાસ કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો. જ્યારે બીજી બાજુ એકત્ર લોક ટોળાના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ અવારનવાર ખોરવાતી નજરે પડી હતી. માત્ર આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તા સુધીમાંથી જ પાલિકા તંત્રએ ગેરકાયદે દબાણો હટાવીને બે ટ્રક, જેટલો અને ટ્રેક્ટર ભરીને કબજે કરીને અટલાદરા સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરી છે. જ્યારે બીજી બાજુ પાણીની ટાંકી આસપાસ ઉભા રહેતા વેલ્ડીંગની લારીઓવાળા સહિત અન્ય વેપાર ધંધો કરનારા લારીઓવાળા પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહી જોઈને પોતપોતાના લારી ગલ્લા ઘટના સ્થળેથી ખસેડીને રવાના થઈ ગયા હતા.