જામનગરમાં મેગા ડિમોલેશન : મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી 51 જેટલી ગેરકાયદે દુકાનો પર પાલિકાનું બુલડોઝર ફર્યું
Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી અંદાજે 52 કરોડ રૂપિયાની કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યા ને ખુલ્લી કરાવવા માટે આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરાવાઈ રહી છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી જામનગર મહાનગરપાલિકાની અંદાજે સવા લાખ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત 52 કરોડ રૂપિયા થાય છે. ઉપરોક્ત જગ્યામાં ગેરકાયદે રીતે 51 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, જેને ખાલી કરવાની નોટિસ અપાયા બાદ આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના ડીએમસી ઝાલા, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ અને હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી અનવર ગજણ તેમજ યુવરાજસિંહ ઝાલાની ટીમ ઉપસ્થિત રહી હતી, જ્યારે ટીપી ડીપીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
આ ઉપરાંત શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા, સિટી એ.ડિવિઝનના પી.આઈ. એન.એ.ચાવડા, એલસીબીના પી.એસ.આઇ. સી.એમ.કાંટેલીયાની રાહબરીમાં મોટો પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો, જેઓની હાજરીમાં જ આજે સવારથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ચાર જેસીબી મશીન, અને એક હિટાચી મશીન, તથા બે ટ્રેક્ટરની મદદથી મેઘા ડિમોલેશન શરૂ કરી દેવાયું હતું, અને તેના માટે 20 શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા માટે ઉપરોક્ત જગ્યા રિઝર્વમાં રખાઈ હતી, પરંતુ તેમાં દબાણ થઈ ગયું હતું. જ્યાં બુલડોઝર ફેરવી દઈ આવનારા દિવસોમાં બાગ બગીચા સહિતનું નિર્માણ કરવામાં આવશે.