Get The App

બેટ દ્વારકામાં ત્રીજા દિવસે બુલડોઝરની કાર્યવાહી, સરકારી જમીન પરથી ધાર્મિક દબાણો દૂર કરાયા

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
બેટ દ્વારકામાં ત્રીજા દિવસે  બુલડોઝરની કાર્યવાહી, સરકારી જમીન પરથી ધાર્મિક દબાણો દૂર કરાયા 1 - image


Dwarka Mega Demolition: દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી હજુ સુધી યથાવત રહી છે. આજે વહેલી સવારથી જ સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી યથાવત જોવા  મળી હતી. હાલમાં ઓખાના હટીલા હનુમાન રોડ પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલાં દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે.

દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.

રવિવારે પણ 50 થી વધુ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

બેટ દ્વારકામાં ત્રીજા દિવસે  બુલડોઝરની કાર્યવાહી, સરકારી જમીન પરથી ધાર્મિક દબાણો દૂર કરાયા 2 - image

આ પણ વાંચો: પીરોટન ટાપુ પર બુલડોઝરવાળી... 4000 ચો.ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પણ દૂર કરાયા

6 કરોડ 53 લાખની કિંમતની 12, 400 મીટર જેટલી જમીન ખુલ્લી કરાઇ 

શનિવારે (11 જાન્યુઆરી) વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરુ કરવામાં આવી હતી. 76 જેટલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 6 કરોડ 53 લાખની કિંમતની 12, 400 મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઇ ઍલર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જિલ્લાભરમાંથી પી.આઇ., પી. એસ. આઇ ઉપરાતં એસ. આર. પી અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 

કાયદાકીય કાર્યવાહી બાદ એક્શન લેવાઈ  

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક વર્ષ પહેલાં પણ દૂર કરાયા હતા દબાણ

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


Google NewsGoogle News