Get The App

વડોદરામાં ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : ન્યાય મંદિર વિસ્તારમાં દબાણો હટાવતા સ્થાનિકો સાથે ઘર્ષણ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : ન્યાય મંદિર વિસ્તારમાં દબાણો હટાવતા  સ્થાનિકો સાથે ઘર્ષણ 1 - image


Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતા ન્યાયમંદિરની સામે આવેલા દૂધવાળા મોહલ્લા સહિત મદન ઝાપા રોડના સાયકલ બજાર અને ન્યાયમંદિર આસપાસના ગેરકાયદે દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકા ટીમે સપાટો બોલાવ્યો હતો, ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિતના ઉમટેલા ટોળેટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીભા જોડી સહિત તું તું મેં મેં કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો. પાલિકા ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલ સામાન કબજે કરી ગેરકાયદે ઓટલા, દાદર સહિતના દબાણો હટાવ્યા હતા. જોકે આ કામગીરી વખતે સાયકલ બજારમાંથી વેપારીઓએ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખવીને ખુલ્લા કરી નાખ્યા હતા. જેથી પાલિકા ટીમને સાયકલ બજારમાંથી માલ સામાન કબ્જે કરવાના બદલે હાથ ઘસતા રહેવું પડ્યું હતું. 

વડોદરામાં ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : ન્યાય મંદિર વિસ્તારમાં દબાણો હટાવતા  સ્થાનિકો સાથે ઘર્ષણ 2 - image

ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરી વચ્ચે ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્રની હત્યા થઈ હતી. ત્યારબાદ વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી પાલિકા તંત્રને એકાએક યાદ આવી ગઈ હતી. તાંદલજા મચ્છી પીઠ અને નાગરવાડાના ગેરકાયદે દબાણો હટાવીને પાલિકાની દબાણ શાખાએ દસેક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે ગઈકાલે મંગળેશ્વર ઝાપાથી સંગમ ચાર રસ્તા સુધીના ગેરકાયદે દબાણો લારી ગલ્લા કબજે કરીને ગેરેજના શેડ પર બુલડોઝર ફેરવી દીધા હતા. જ્યારે આજે વહેલી સવારથી જ ન્યાય મંદિર સામેના દૂધવાળા મહોલ્લામાં પાલિકા દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સહિત ધસી ગઈ હતી. પાલિકા તંત્ર એ મોહલ્લામાંથી ગેરકાયદે દબાણો સહિત ઠેક ઠેકાણે લગાવેલા લોખંડના દાદરો હટાવવા સહિત લોકોના ઘર બહાર મુકાયેલો ઘરવખરીનો સામાન તથા અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી હતી. આ વખતે સ્થાનિક મુસ્લિમ મહિલાઓ સહિતના મોટા ટોળા પાલિકા ટીમ સાથે ઘર્ષણમાં આવ્યા હતા. તું તું મેં મેં અને ભારે રકઝક થતા ઉચ્ચ મહિલા પોલીસ અધિકારી સહિતના પોલીસ કાફલાએ મામલો થાળે પાડીને પાલિકાની કામગીરીમાં અડચણરૂપ નહીં થવા સમજાવ્યા હતા. આ મોહલ્લામાં ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડના વાહન પણ જઈ શકે તેવી સ્થિતી નથી. જ્યાંથી લોક મારેલો લોખંડનો ભારેખમ એક ગલ્લો પાલિકા તંત્રની ટીમે શરૂઆતમાં ઉચકવાનો પ્રયાસ કરતા સ્થાનિક રહીશું સાથે ઘર્ષણ પણ થયું હતું.


Google NewsGoogle News