જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતોનું ડિમોલિશન, ગેરકાયદે દબાણોની તંત્રને હવે ખબર પડી?
Jamnagar News : જામનગરમાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપીના ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલા ચાર ગેરકાયદેસર મકાન પર આજે શનિવારે જિલ્લા પોલીસ વડા, મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું. આ સાથે નદીના પટ વિસ્તારની 5000 ફૂટ જેટલી સરકારી જમીન પર બનાવેલા બોક્સ ક્રિકેટના બાંધકામ પર બુલડોઝર ફેરવીને દબાણો હટાવામાં આવ્યું.
સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીનું ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખે ઘાંચીની ખડકી વિસ્તારમાં મહાનગરપાલિકાની આશરે 2500 ફૂટની જગ્યા પર ગેરકાયદેસર ચાર મકાનો બનાવ્યા હતા. સમગ્ર મામલે મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ આરોપીએ કોઈ ઠોશ પુરાવા રજૂ ન કરતા અંતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવાની કામગીરી દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા સહિત મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, એસ્ટેટ શાખાના અધિકારીઓ સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સ્થળ પર હાજર રહ્યા હતા.
ડિમોલિશનની કામગીરી માટે તંત્ર દ્વારા 3 જેસીબી, ટ્રેક્ટર અને 15થી વધુ સ્ટાફ સાથે રાખીને દબાણ હટાવાયું હતું. આ ઉપરાંત આરોપીએ સુભાષ બ્રિજની નજીક રંગમતી- નાગમતી નદીના પટમાં સરકારી જમીન પર નદીનું વહેણ રોકીને આશરે 5000 ફૂટ જગ્યા પર બોક્સ ક્રિકેટ માટેની પીચ અને નેટ સહિતનું બાંધકામ કર્યું હતું, જેના પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને દબાણ હટાવ્યું હતું.