નડિયાદમાં ઈમ્પેક્ટ ફીમાં નામંજૂર થાય તેવા ગેરકાયદે 20 બાંધકામો તોડી પાડવાનો ઠરાવ વર્ષથી અધ્ધરતાલ
- પાલિકાની તત્કાલિન પ્લાનિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂર કર્યો હતો : મનપા તંત્રના પણ ઠાગાઠૈયા
- 2023 માં ઠરાવ કર્યો પણ અમલવારી ન કરી : પરવાનગી વગરના બાંધકામોની માપણી કરી તોડી પાડવાના હતા : મહાનગરપાલિકાના કમિશનર જૂના રેકર્ડ ચકાસી ગેરકાયદે બાંધકામો દૂર કરે તેવી માંગણી
નડિયાદ પાલિકામાં તા. ૨૦ માર્ચ, ૨૦૨૩ના રોજ યોજાયેલી પ્લાનિંગ કમિટીની બેઠકમાં કમિટીના ચેરમેન, જુનિયર ટાઉન પ્લાનર, પ્રાંત અધિકારી સહિતના કમિટીના સભ્યો દ્વારા શહેરના ૨૦ જેટલા ગેરકાયદે અને બિનઅધિકૃત હાઈરાઈઝ બાંધકામો તોડી પાડવા માટે ૩ નંબરથી ઠરાવ મંજૂર કરાયો હતો. ત્યારે તત્કાલિન નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળ, જુનિયર ટાઉન પ્લાનર મિતલબેન ભટ્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગના જવાબદાર કર્મચારીઓએ આ ઠરાવની અમલવારી કરી અને ગેરકાયદે પરવાનગી વગરના બાંધકામોની માપણી કરી તેને તોડી પાડવાના હતા. જો કે, આજે આ ઠરાવ કર્યાને ૭૧૦ દિવસ એટલે કે, ૨૩ મહિના જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે.
પ્લાનિંગ કમિટી દ્વારા કરાયેલા ઠરાવમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કર્યો છે કે, 'સરકારના ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા અંગેના અધિનિયમ-૨૦૨૨માં જણાવેલી જોગવાઈઓ અન્વયે નિયમિત થઈ શકે નહીં, તેવા બાંધકામો દૂર કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે', એટલે કે, ઈમ્પેક્ટ ફી ભરીને પણ જે બાંધકામો કાયદેસર ન થઈ શકતા હોય, તેવા ૨૦ બાંધકામોની યાદી હતી. જે બાંધકામો તોડી પાડવાના થતાં હતા, પરંતુ આજદીન સુધી તંત્રએ આ પરત્વે કોઈ કાર્યવાહી કરવામાં રસ દાખવ્યો નથી, જેથી ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ વિભાગના સરકારી બાબુઓની કામગીરી અને ભૂમાફિયાઓને છાવરવાની નીતિના કારણે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.
ઇમ્પેક્ટ ફીમાં અરજી નામંજૂર થયા બાદ કાર્યવાહી થઈ શકે : ડે. કમિશનર
આ સમગ્ર મામલે તત્કાલીન ચીફ ઓફિસર અને હાલના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, જે તે અરજદાર ઇમ્પેક્ટ ફી અંતર્ગત અરજી કરે અને ત્યારબાદ તે અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે કોઈ કાર્યવાહી કરી શકીએ નહીં. ઇમ્પેક્ટ ફીમાં અરજી નામંજૂર થાય તે બાદ હજુ કાર્યવાહી થઈ શકે.
દબાણના નામે લારી- પાથરણાંવાળા જ કેમ ?
નડિયાદ શહેરમાં મુખ્ય બજાર ગણાતા સંતરામ રોડ પરથી લારી અને પાથરણાં સહિત ગલ્લાં હટાવી દેવાયા છે. જો કે, બીજીતરફ ખુદ પ્રશાસને જે બાંધકામોને ગેરકાયદે માન્યા છે, જે તોડવાનો ઠરાવ થઈ ગયો છે, તે દૂર કરવામાં તંત્ર પાછીપાની કરતું દેખાઈ રહ્યું છે. લારી, પાથરણાં અને ગલ્લાંથી પેટિયુંરળતા નાના લોકોને દબાણના નામે ટાર્ગેટ કરી વારંવાર મુશ્કેલીમાં મુકવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આ 20 સ્થળોએ મંજૂરી વગર વધારાનું બાંધકામ યથાવત્
- મકાન નં. ૨૦, મહેર સાગર સોસાયટી
- મહેર સાગર સોસાયટીની પાસે દુકાનોનું બાંધકામ
- મકાન નં. બી/૫, બી/૬, ટાગોર પાર્ક, મેઘદૂત સોસાયટી.
- ટી.પી. સ્કીમ નં.૩, ફાઈનલ પ્લોટ નં.૨૦૧
- જય એવન્યુ સોસાયટીના કોમન પ્લોટ અને આંતરીક રસ્તા પરનું બાંધકામ
- મકાન નં.૨૬ અને ૨૭, રાધાનગર સોસાયટી, સંતરામેશ્વર મહાદેવ પાછળ
- મકાન નં. બી/૨૨, દક્ષાપાર્ક સોસાયટી
- નડિયાદ શહેરના ગામતળમાં ઘર નં.૧૫૮, લખાવાડ, પ્રણામી મંદિર સામે
- સલુણ બજાર, ખાટકીવાડ (રાણાચોક) વધારાની જગ્યા પર શૌચાલય-બાથરૂમનું બાંધકામ
- પાર્થ જનરલ સ્ટોર્સ, ભાગ્યકૃપા સ્ટોર્સ
- નિરવ ફનચર, સંજય સેલ્સની પાછળ
- કેતન દૂધ પાર્લર, મીલ રોડ
- રે.સ.નં.૨૧૫૯ પૈકીની ગાયકવાડની હવેલી પાસે, સરક્યુલર રોડની જગ્યામાં
- એ/૯, જનકલ્યાણ સોસાયટી, સિવિલ રોડ
- ૧૨, ચંદ્રલોક સોસાયટી, સિવિલ રોડ
- ટી.પી. સ્કીમ નં.૪, ફા. પ્લોટ નં.૩૬,૩૭, ઝુડીયોની સામે, વાણિયાવાડ, કોલેજ રોડ
- ટી.પી. સ્કીમ નં.૧, ફા.પ્લોટ નં.૩૪૭, મકાન નં.૧૭, સૌરભ સોસાયટી
- વોર્ડ નં.૪, ઘર નં.૩૨૯, ૩૩૦ વાળી મિલકતમાં
- ટી.પી. સ્કીમ નં.૨, ફા.પ્લોટ નં.૩૪૨
- શીતવંદન કોમ્પલેક્ષ, કોલેજ રોડ