કંપનીની ગુપ્ત માહિતી જાહેર કરી દેવાની ધમકી આપી બે કરોડની માંગણી
આરોપીઓએ ધમકી આપી ખંડણી માંગતા કંપનીના મેનેજરે ફરિયાદ નોંધાવી
કરજણ, કરજણ તાલુકાના માંગલેજ ગામની સીમમાં આવેલ બ્રૂક્સ લિમિટેડ લેબોરેટરી કંપનીના ઓફિસરોને ફોન ઉપર સંપર્ક કરી કંપનીની ગુપ્ત માહિતી જાહેર કરી કરી દેવાની તથા કંપનીને આથક નુકસાન પહોંચાડી બંધ કરી દેવાની ધમકી આપી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ તાલુકાના માંગલેજ ગામની સીમમાં આવેલ બ્રૂક્સ લિમિટેડ લેબોરેટરી કંપની ના એચ.આર. મેનેજર શૈલેન્દ્ર શર્માએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ એક મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ હતો. હિન્દી ભાષામાં વાત કરતા શખ્સે જણાવેલ કે, આપકી કંપનીને માર્કેટ મે ઇનકમ્પલીટ ડ્રગ્સ ભેજ દીયા હે. મુજે ઇસકે બારે મે પતા હે. ઇસસે માનવજીવન કો ખતરા હે. મેને આપ કે સિનિયર ઓફીસરો કો બતાયા થા ઔર ઉન્હોને મેરી ડિમાન્ડ નહી માની હૈ. મૈંને અભી તક યે બાત માર્કેટમે ડિસ્કલોઝ નંહી કી હૈ ક્યૂંકિ ઇસમે આપકી કંપની કે એમ્પ્લોઇઝ કો નુકશાન હોગા અગર આપ નંહી માનોગે તો મૈં યુ.એસ.એફ.ડી.એ. કે સામને યે બાત ડીસ્કલોઝ કર દુંગા. મે આપ કે સાથે ડીલ કરના ચાહતા હું. આ વ્યક્તિ અમારી કંપનીને બ્લેક મેઇલ કરી રૃપિયાની ખંડણી માંગતો હોય તેમ જણાઈ આવ્યું હતું. ધમકી આપ્યા પછી તેણે ફોન બંધ કરી દીધો હતો. આરોપીએ વોટ્સએપ પર મેસેજ કરી જણાવ્યું હતું કે, કંપનીએ યુ.એસ.એ. ખાતે મોકલેલ તે દવા મેરોપેનમના બેચ નંબરો લખેલ હતા. અને આ દવામાં યુ.એસ.એ. ના ધારાધોરણ કરતા સોડિયમ વધારે હોવાનું અને દવા હલકી ગુણવત્તાની હોવાની તથા અન્ય દવાઓ પણ હલકી ગુણવત્તાની હોવાની વિગત લખી હતી. કંપનીના સિક્રેટ્સ ખુલ્લા કરી દેવાની ધમકી આપી બે કરોડ ની ખંડણી માંગી હતી. આરોપીએ તા.૦૯/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીની મુદ્દત આપી હતી.