Get The App

બાઈકની માગણી કરી યુવાને સાવકા પિતાને હથોડીના ઘા ઝીકી પતાવી દીધો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
બાઈકની માગણી કરી યુવાને સાવકા પિતાને હથોડીના ઘા ઝીકી પતાવી દીધો 1 - image


રાજકોટના કટારીયા ચોકડી પાસેની ઝુંપડપટ્ટીની ઘટના : માતાએ પોલીસથી શરૂઆતમાં હકીકતો છુપાવી પતિ પડી જતાં ઘવાયાનું બ્યાન આપ્યું હતું

રાજકોટ, : રાજકોટની કટારીયા ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં રાજેશ કુમારપાલ રાજપુતની ખુદ તેના સાવકા પુત્ર જોગીન્દર કિશન રામસ્વરૂપે હથોડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જોગીન્દરે બાઈક લઈ આપવાનું કહી ઝઘડો કર્યા બાદ આવેશમાં આવી હત્યા નિપજાવી હતી. રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. 

આરોપીની માતા કમલેશબેન (ઉ.વ. 40) દેશી દવા વેચવાનું કામ કરે છે. તે મૂળ હરિયાણાના રેવાડી જીલ્લાની વતની છે. તેણે પોલીસને જણાવ્યું કે તેના પ્રથમ લગ્ન 22 વર્ષ પહેલાં કિશન સાથે થયા હતા. સંતાનમાં 3 પુત્રી અને 2 પુત્રની પ્રાપ્તી થઈ હતી. જેમાંથી ચોથા નંબરનો પુત્ર જોગીન્દર છે.  પાંચ-છ વર્ષ પહેલાં તેને મોટી માતાના ભત્રીજા રાજેશ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને રાજકોટ રહેવા આવી ગયા હતા. રાજેશના તેની સાથે ત્રીજા લગ્ન હતા. દસ બાર દિવસ પહેલા તેનો પુત્ર જોગીન્દર પત્ની જયોતી અને પુત્ર સાથે રાજકોટ રહેવા આવ્યો હતો. તે કણકોટ પાટીયા પાસે ઝુંપડું બાંધીને રહેતો હતો. 

ગઈ તા. 18ના રોજ સાંજે પુત્ર જોગીન્દર પત્ની સાથે તેને ત્યાં જમવા આવ્યો હતો. જમીને જોગીન્દર અને તેનો પતિ રાજેશ ઝુંપડાની આગળ વાતચીત કરવા બેઠા હતા. અચાનક પતિ રાજેશ અને પુત્ર જોગીન્દર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેથી તેણે વચ્ચે પડી બંનેને અલગ કર્યા હતા. ત્યાર પછી તે ઝુંપડામાં આવી ગઈ હતી. થોડીવાર બાદ પતિ રાજેશે બુમ પાડી તેને બોલાવતાં બહાર દોડીને જોયું તો તેના માથામાંથી લોહી નીકળતું હતું. 

શું થયું તેમ પુછતાં કહ્યું કે જોગીન્દરે માથામાં માર્યું છે. આ પછી જોગીન્દર તેની પત્ની સાથે ત્યાંથી જતો રહ્યો હતો. તેણે એક રાહદારીની મદદથી 108 બોલાવી હતી. જેમાં પતિ રાજેશને સિવીલ હોસ્પિટલ ખસેડયો હતો. જયાંથી ખાનગી હોસ્પિટલ લઈ ગઈ હતી. ગઈ તા. 18મીએ આ ઘટના બન્યા બાદ બીજા દિવસે તા.19મીએ રાજેશનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. પરંતુ પત્ની કમલેશે જે-તે વખતે ડોકટરો અને પોલીસને ગેરમાર્ગે દોરી પડી જતાં ઈજા થયાનું જણાવ્યું હતું. જોકે તાલુકા પોલીસને શંકા જતાં કમલેશને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતાં પુત્ર જોગીન્દરે કરેલા હુમલામાં પતિ રાજેશ ઘાયલ થયાનું કહ્યું હતું. જેના આધારે ગઈકાલે તાલુકા પોલીસે તેને ફરિયાદી બનાવી ખુનનો ગુનો દાખલ કરી આરોપી જોગીન્દરને ઝડપી લીધો હતો. પુછપરછમાં તેણે બાઈકની ડિમાન્ડ કર્યા બાદ ઝઘડો થતાં હથોડીના ઘા ઝીંકી સાવકા પિતાને પતાવી દીધાની કેફિયત આપી છે.


Google NewsGoogle News