ભૂમેલ ચોકડીથી કણજરી દાંડી માર્ગનો સર્વિસ રોડ પહોળો કરવા માંગ
- મોટા ઢાળ ઉપર ગરનાળું બનાવવા પણ માંગણી
- ખખડધજ સર્વિસ રોડ પર લાઈટોના અભાવે મોટા વાહનો પસાર થતા અકસ્માતનો ભય
નડિયાદ તાલુકાના ભુમેલ ચોકડીથી કણજરી તરફ જતા દાંડી માર્ગ ઉપર દિવસ દરમિયાન ૨૫ હજારથી વધારે વાહનો પસાર થાય છે. ભુમેલ ચોકડીથી એક રસ્તો કણજરી તરફ અને બીજી તરફનો રસ્તો ઉત્તરસંડા તરફ જાય છે. ઉપરાંત આ ચોકડી નેશનલ હાઇવેને અડીને આવેલી હોવાથી વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. ચોકડીથી કણજરી તરફ જવાનો માર્ગ વ્યવસ્થિત ન હોવાના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
ઉપરાંત લાઇટોની સગવડ આ રસ્તા પર ન હોવાના કારણે રાત્રિના સમયે બંને તરફથી આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પરથી સામ સામે એસટી બસો સહિત મોટા વાહનો પસાર થાય છે. ત્યારે વ્યવસ્થિત સવસ રોડ ન હોવાથી વાહનચાલકો મન ફાવે તેમ પસાર થઇ રહ્યા છે. જેથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી રહી છે. ત્યારે ભુમેલથી નડિયાદ તરફ આવતા ભુમેલ પાસે જે મોટો ઢાળ છે ત્યાં નિયમાનુસારનું ગરનાળું મુકવા અથવા રોડ પહોળો બનાવવા માંગણી સ્થાનિકોએ કરી છે.