Get The App

વડોદરામાં દિપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ જલ્દી શરૂ કરવા માગણી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં દિપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ જલ્દી શરૂ કરવા માગણી 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં દિપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેનો કોઈ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેને લીધે કોર્પોરેશન આવક પણ ગુમાવી રહ્યું છે. હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે વિસ્તારના લોકોને પોતાના શુભ પ્રસંગો અહીં યોજી શકાય તે માટે કોર્પોરેશનને જેમ બને તેમ જલ્દી આ અતિથિગૃહ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વિસ્તાર મધ્યમ વર્ગનો છે. જેને બહાર મોટા પાર્ટી પ્લોટ કે મેરેજ હોલના ભાડા પરવડતા નથી. જેના કારણે સુભાનપુરા, માંજલપુર, આજવા રોડ વગેરે વિસ્તારમાં લગ્ન પ્રસંગો યોજવા માટે દોડવું પડે છે. અહીં અતિથિગૃહ બનાવ્યા બાદ કોઈ ઉપયોગ નહીં થતાં પંખા તૂટી ગયા છે, લાઈટો તૂટી ગઈ છે. બહાર જંગલી વનસ્પતિ, ઘાસ વગેરે ઊગી નીકળ્યું છે .જેની કોઈ સફાઈ પણ કરવામાં આવતી નથી, અને તકેદારી રાખવામાં આવતી નથી .લાખો રૂપિયાનો કરેલો ખર્ચ માથે પડ્યો છે. અગાઉ મકરપુરા અતિથિગૃહ શરૂ કર્યા બાદ તાજેતરમાં નિઝામપુરાનું અતિથિગૃહ શરૂ કરવામાં આવ્યું છે, તો આ દીપક ઓપન થિયેટરવાળું અતિથિગૃહ તૈયાર જ છે તો પછી જરૂરી મરામતની કામગીરી કરી શા માટે શરૂ કરવામાં આવતું નથી તે સવાલ તેમણે ઉઠાવ્યો છે? ઇલેક્શન વોર્ડ નં.13 માં મદનઝાંપા રોડ, આઝાદ મેદાનના ખુલ્લા કોમન પ્લોટમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિપક ઓપન થીયેટર બનાવવાની કામગીરી રૂ.5.50 કરોડના ખર્ચે કરી હતી. નવું બનેલું આ થિયેટર તા.20-08-2015ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. દિપક ઓપન એર થિયેટરના લોકાર્પણ કર્યાના બે વર્ષમાં માત્ર ચાર જ કાર્યક્રમ થયા હતા. જેની કુલ આવક રૂ.14,999/- થઇ હતી. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને આ થિયેટર નિર્માણનો ખર્ચ રૂ.5.50 કરોડ થયો હતો. લાઇટબીલ પાછળ ટોટલ ખર્ચ રકમ રૂ.1,21,162 થયો હતો. દિપક થિયેટર કોર્પોરેશન માટે ધોળા હાથી સમાન પુરવાર થયું હતું, ત્યારે આસપાસના રહીશો અને કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં લગ્ન તેમજ શુભ કે અશુભ પ્રસંગ માટે અતિથિગૃહ બનાવવાની જરૂરીયાત છે. અહીં દિપક થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ બનાવવાનું કામ તા.31-03-2020 ના રોજ કોર્પોરેશનની સમગ્ર સભામાં 32 લાખના  ખર્ચ સાથે મંજુર કરવામાં આવ્યુ હતું.


Google NewsGoogle News