શિક્ષણ સમિતિના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા માગ : તા.૧૬થી ભૂખ હડતાળ
કર્મચારીઓનો ૪૭ વર્ષથી ચાલતો જંગ : ૫૭૦માંથી હાલ ૧૧૫ હાજર છે, ૭૦થી વધુનાં મરણ થયા છે
વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પો. હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. શિક્ષણ સમિતિની સાામાન્ય સભામાં લેબર કોર્ટના ચૂકાદાના અમલનો ઠરાવ કર્યા પછી પણ કાયમી નહીં કરાતા કર્મચારી સંઘ દ્વારા તા.૧૬થી હડતાળની ચીમકી અપાઇ છે.
શિક્ષણ સમિતિના ૧૯૭૭થી ફરજ બજાવતા અને સમિતિના ઠરાવ તા.૧૨-૬-૯૧ના અને કોર્પો.ની સભાના તા.૨૧-૧૨-૯૧ની સભામાં મંજૂરી બાદ તા.૩-૩-૯૨માં એક વર્ષનો પ્રોબેશન પિરિયડ આપ્યો હતો. ૨૦૧૯નો લેબર કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તા.૯-૬-૨૦ની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરવા ઠરાવ પછી પણ કાયમી નહીં કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ચોથા વર્ગ કર્મચારી સંઘ નારાજગી જતાવી છે.
સંઘના પ્રમુખ નિલેશ રાજનું કહેવું છે કે ૫૭૦ કર્મચારરીઓને કાયમી કરવા માગ છે. જેમાં હાલ ૧૧૫ હાજર છે. ૭૦ થી વધુ મૃત્યુ પામ્યા છે. બાકીના નિવૃત્ત થયા છે. અમે એરિયર્સ છોડવા તૈયાર છીએ અને પેન્શન અને પગારની માગણી ચાલુ રાખી છે. એરિઅર્સ આશરે ૧૦૦ કરોડ જેટલું થાય છે.
આગામી ચાર વર્ષમાં અંદાજે ૯૦ ટકા નિવૃત્ત થઇ જશે. કર્મચારીઓને કાયમી કરવા પ્રશ્ને તા.૭-૧૦-૨૪ના રોજ એક સમિતિ બનાવી હતી. જેની મીટિંગ આજ સુધી થઇ નથી. જો તા.૧૫ જાન્યુ. સુધીમાં કાયમી નહીં કરાય તો તા.૧૬ની સવારે ૧૦ વાગ્યાથી સમિતિની વડી કચેરી, મધ્યવર્તી શાળા બિલ્ડિંગ ખાતે ભૂખ હડતાળ પર ઉતરી આંદોલનનો પ્રારંભ કરાશે.