વડોદરામાં પૂર સંદર્ભે વિશેષ ચર્ચા કરવા કોર્પોરેશનમાં જનરલ બોર્ડની ખાસ સભા રાખવા માગણી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરને શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોય કે જીવલેણ બિમારી ફેલાયેલી હોય અથવા તો પૂર જેવી ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે ખાસ જનરલ બોર્ડની સભા બોલાવવાની સત્તા મળેલ છે. આ સત્તાના આધારે મેયરની અઘ્યક્ષતામાં તાત્કાલિક ખાસ સભા બોલાવવા માંગણી કરવામાં આવી છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરે મેયરને લખેલા પત્રમાં કહ્યું છે કે તા.26 થી તા.28 ઓગસ્ટ સુઘી વડોદરા શહેરમાં નાગરીકોએ કદી ન જોયું હોય એવું વિનાશક પૂર આવ્યુ હતું. જેના લીઘે વડોદરા શહેરમાં ચારે તરફ તારાજી સર્જાઇ હતી. જેના કારણે નાગરીકોને કરોડો રૂપીયાનું નુકશાન થયેલ છે. આ પૂરમાં નિર્દોષ નાગરીકોએ પોતાનો જીવ ગુમાવેલ છે, આ બઘા માટે વહીવટ તંત્ર અને સત્તાઘારી પક્ષની ઘોર નિષ્કાળજી જવાબદાર છે. શહેરમાં પૂર આવ્યા બાદની પરિસ્થિતિમાં વડોદરાના પ્રથમ નાગરિક તરીકે મેયરે શહેરના નાગરીકો સાથે રાત-દિવસ ખડે-પગે તેમના દુ:ખમાં સહભાગી થવું જોઇએ. પૂર પછી આશરે ૩ જનરલ બોર્ડની સભાઓ મળી પરંતુ આ સભાઓમાં તબિયત બરાબર ન હોવાથી તેઓ હાજર રહી શક્યા ન હતા. હવે તબિયત સ્વસ્થ થઈ જતા મેયર કોર્પોરેશનમાં હાજર થયેલ છે. જેથી તેમની અઘ્યક્ષતામાં વિશ્વામિત્રીમાં આવેલ પૂર સબંધી ચર્ચા કરવા, પૂરમાં નાગરીકોને થયેલ નુકશાનની ભરપાઇ કરવા તથા પૂરના કારણો શોધીને ભવિષ્યમાં વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે સબંધી આયોજન કરી શકાય તે સંદર્ભે તંદુરસ્ત ચર્ચા કરવા ખાસ સભા બોલાવવી જોઇએ.