'રાજ્યમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી જુગાર જેવી CBRT પદ્ધતિ નાબૂદ કરો' CCEના પરિણામ GPSC પેટર્નથી જાહેર કરવા માગ
CCE Junior Clerk Exam News : રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા CCE જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદ થયો છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં CBRT પદ્ધતિ નાબૂદ કરવા અને CCE પરીક્ષાના માર્ક GPSC પેટર્નથી જાહેર કરવા સહિતની માગ સાથે હસમુખ પટેલને રજૂઆત કરી હતી. સાથે જ ભરતી બોર્ડના કમલ દયાણી સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ કવાયત કરી છે.
ઉમેદવારોની મુખ્ય રજૂઆત
ઉમેદવારોની રજૂઆત છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેર કરાયેલી મેરિટ યાદીમાં ઘણી વિસંગતતા પેદા થઈ છે. જુનિયર ક્લાર્કના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષામાં કેટેગરીના સાત ગણાની જગ્યાએ કુલ ભરતી 5,500 જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હોવાથી બહાર પાડવામાં આવેલું મેરિટ બહુ ઊંચું ગયું છે.
CBRT પદ્ધતિ લોટરી કે જુગાર જેવી: ઉમેદવાર
CBRT પદ્ધતિથી લેવામાં આવતી પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરવા અને CCE પરીક્ષાના માર્ક GPSC પેટર્નથી જાહેર કરવા ઉમેદવારોએ માગ કરી છે. જેથી મુખ્ય પરીક્ષામાં ઉમેદવાર પરીક્ષા આપવાથી વંચિત ન રહે. CBRT પદ્ધતિમાં નોર્મલાઇઝેશન મેથડમાં ઉમેદવારોના માર્કમાં વધઘટ થાય છે, આ જુગાર જેવી સિસ્ટમ નાબૂદ થવી જોઈએ તેવો મત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ વ્યક્ત કર્યો છે.
3.40 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
વર્ગ 3ની અલગ અલગ 21 કેડરની 5,554 જગ્યાઓ માટે રાજ્યના 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના એકાઉન્ટમાં ઓનલાઇન ફી જમા કરવામાં આવશે. મેરિટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: આ બે જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર
કેટલો મળશે પગાર?
સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઑફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર માસિક 26,000 રૂપિયા છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ–રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પર પસંદગી પામનાર ઉમેદવારને 49,600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.