કર્મચારીઓ, પેન્શનરો અને સ્વાતંત્ર સેનાનીઓને નુકસાન અંગે 7 જેટલા મુદ્દાનો પરિપત્ર રદ કરવા માગ
Vadodara Corporation : ગુજરાત મજદૂર સેના દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને કામદારો, કર્મચારીઓ, પેન્શનરો તથા સ્વાતંત્ર સેનાનીઓને નુકશાન બાબતનો વિવિધ સાત જેટલા મુદ્દાઓ સાથેનો પરિપત્ર રદ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. અને વૈદ્યકીય સારવાર અંગેના પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવા વિનંતિ કરી છે.
જેમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકામાં રોજીંદારી, હંગામી, ટેમ્પરરી, કાયમી અને નિવૃત્ત થયેલા એવા તમામ કામદારોને તથા આ ઉપરાંત સ્વાતંત્ર સેનાનીઓને પણ વિના મુલ્યે વૈદ્યકીય સારવાર આપવાની પ્રથા એ ઘણાં વર્ષોથી ચાલી આવતી પ્રથા છે તેમાં ફેરફાર કરીને કામદારોની કોઇ પણ સંમતિ અથવા યુનિયનો સાથે ચર્ચા-વિચારણા વગર અચાનક તા.01-04-2024 થી આ પ્રથામાં ફેરફાર કરીને જે જોહુકમી ભર્યો હુકમ અને પરિપત્ર જારી કરવામાં આવેલ છે. વૈદ્યકીય સારવાર મેળવનાર મોટા ભાગના કામદારો તેમને મળવાપાત્ર તબીબી ભથ્થું રૂા.1000/- દર માસે લેતા નથી અને વિકલ્પે વૈદ્યકીય સારવાર મેળવે છે અને નિવૃત્ત થયેલા અને નિવૃત્તિની આરે આવેલા કર્મચારીઓ, પેન્શનરો કે જેઓ અસાધ્ય બિમારીઓ અને રોગો જેવા કે, બ્લડ પ્રેસર, ડાયાબીટીશ, હૃદય રોગ, કીડની ફેલ્યોઅર તથા કેન્સર જેવા ભયંકર રોગોથી પીડાઇ રહેલા છે અને તેમને દર માસે નિયમિત બ્રાન્ડેડ કંપનીની દવાઓ લેવાની હોય છે. જ્યારે જેનરીક એટલે કે, સબ સ્ટાન્ડર્ડ દવાઓ ફરજીયાતપણે લેવા જણાવ્યું છે. કોઇ રાજકારણીને જેનરીક દવાઓની એજન્સી મળી હોય તેને મદદ કરવા માટે પણ આવું કરવામાં આવ્યું હોય તેવી અમોને પાકી શંકા છે. આ ઉપરાંત કર્મચારીઓના વૈદ્યકીય સારવારના બીલો પણ ઘણાં વખતથી પેન્ડીંગ છે અને 6 માસ સુધી તે ચુકવવામાં આવતા નથી. જેથી આ પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવા વિનંતિ છે. હાલના અધિક આરોગ્ય અમલદાર કે જેમનું વર્તન શંકાસ્પદ છે અને ભૂતકાળમાં પણ તેઓ કબુતરબાજી માટે પકડાયેલા છે અને તેઓની વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી થયેલી છે. અને તેથી સરકારમાં તેમજ આરોગ્ય ખાતામાં, આરોગ્ય મંત્રી તથા આરોગ્ય સચિવને પણ આ બાબતે યોગ્ય તપાસ કરવા વિનંતિ કરી છે.