નદીઓમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન અટકાવવાની માંગણી
વડોદરા-પાદરા વચ્ચેના સાંકડા માર્ગને પહોળો કરવો જરૃરી ઃ જમીન રી સર્વે સહિતના મુદ્દા ઉઠયા
વડોદરા, તા.૨૧ વડોદરા જિલ્લામાં વિવિધ નદીઓમાં ચાલતા ગેરકાયદે રેતીખનનનો મુદ્દો આજે સંકલન બેઠકમાં ઉઠયો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક સાથે ગેરકાયદે રેતીખનનને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેકટરે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેની પ્રાથમિકતા આપવા પર ભાર મુકયો હતો.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આજે સાંસદ તેમજ ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે મોડી રાત્રે અમારા પર ફોન આવે છે અને વીડિયો પણ મોકલી જણાવે છે કે રાત્રે ગેરકાયદે ખનન થાય છે અમે જ્યારે ખાણખનિજ વિભાગના અધિકારીને ફોન કરીએ તો તેમનો ફોન બંધ આવતો હોય છે. આજની બેઠકમાં વડોદરાથી પાદરા વચ્ચેના સાંકડા રોડનો મુદ્દો પણ ફરી ઉછળ્યો હતો.
બેઠકમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન રી સર્વેની કામગીરી, કેનાલોની સાફસફાઇ, પૂર સંરક્ષણ દિવાલ, દબાણો, ડ્રેનેજની મુશ્કેલી જેવા પ્રશ્નોની રજૂઆતો થતાં સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર શાહે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૃરી સુચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન પેન્શન કેસોના નિકાલ, નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ, પડતર કાગળોના નિકાલ અંગે વિગતો સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે સમયમર્યાદામાં નિકાલ થાય એ અંગે તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત સરકારી લેણાની વસૂલાત અંગે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતું કે, સરકારી લેણાની વસુલાતમાં ઝડપ કરવામાં આવે એ ખૂબ જરૃરી છે.