વડોદરા મ્યુનિ. કોર્પો.ના ચૂંટાયેલા હોદ્દેદારોની ગાડીઓ પરથી સાયરનો હટાવી દંડ કરવા આરટીઓ સમક્ષ માંગણી
પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરી તેના ૭ દિવસ થવા છતાં હજી ગાડીઓ પરથી સાયરન હટાવી કાર્યવાહી કરી નથી
વડોદરા, તા.25 વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ચૂંટાયેલા હોદ્દેદારો કોર્પોરેશનના વાહનો પર ગેરકાયદે સાયરન લગાવીને વગાડતા ફરતા હોવાથી મોટર વ્હીકલ એક્ટ તેમજ ફોજદારી ધારાનો ભંગ કરતા હોઈ, કાર્યવાહી કરવા વડોદરા આરટીઓને આજ રોજ રજૂઆત કરાઈ હતી.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ ગેરકાયદે સાયરનો તાત્કાલિક હટાવવા, મહત્તમ પેનલ્ટી વસૂલવા લેખિત માગ કરતા કહ્યું છે કે, કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયના હુકમમાં સમાવિષ્ટ નહિ હોવા છતાંય પોતાના વાહનો ઉપર ગેરકાયદે સાયરન લગાડી વડોદરાના સાયલેન્ટ ઝોન વિસ્તારમાં વગાડતા નીકળે છે.
મોટર વ્હીકલ એક્ટ મુજબ અનધિકૃત રીતે સાયરન અને લાલ લાઈટનો ઉપયોગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરવાની હોય છે. અગાઉ તા.૧૪/૦૬/૨૦૨૨ ના સુપ્રીમ કોર્ટના હુકમની નકલ સાથે સાયરન દૂર કરવા ફરિયાદ કરેલી હતી છતાંય આજે બે વર્ષે ગેરકાયદે સાયરન યથાવત હોવાથી તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ ફરી પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરેલી છે.
એટલું જ નહીં પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કર્યાને આજે સાતમો દિવસ થવા છતાંય વાહન ઉપરથી સાયરન હટાવી નથી. જોકે કમિશનરના વાહન ઉપરથી લાલ લાઈટ ઉતરી ગઈ છે પરંતુ સાયરન હજી બાકી છે.
જ્યારે ચાર - પાંચ દિવસ પહેલા પાંચ અધિકારીઓની ગાડીઓ પરથી સાયરન હટાવ્યા હતા. બીજા હોદ્દેદરોની ગાડીઓ પરથી સાયરન દૂર કરવાની જવાબદારી આર.ટી.ઓ. ના અધિકારીઓની પણ થતી હોઈ આ માગ કરીએ છીએ.