Get The App

ચરોતરમાં મેથી, ગુંદર, સૂંઠ, ખજૂરમાંથી બનતા આરોગ્યવર્ધક વસાણાની માંગ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
ચરોતરમાં મેથી, ગુંદર, સૂંઠ, ખજૂરમાંથી બનતા આરોગ્યવર્ધક વસાણાની માંગ 1 - image


- કડકડતી ઠંડીથી આંતરિક રક્ષણ મેળવવા

- અડદિયા પાક, વિવિધ ચીકીઓ, કચરિયા સહિતના શિયાળુ વાનગીનું બજારમાં આગમન

નડિયાદ : શિયાળાના આગમન સાથે જ લોકોએ ઠંડીથી આંતરિક રક્ષણ મેળવવા વિવિધ વસાણાઓ આરોગવાના શરૂ કરી દીધા છે. વર્ષભર માટે ઈમ્યુનિટી મેળવવા મેથી પાક, ગુંદર પાક, અડદિયા પાક, ચીકી, આદુ પાક, ગજક, મેથીના લાડુ સહિતના વસાણાઓનું બજારમાં આગમન થઈ ગયું છે. ચાલુ વર્ષે ખાંડ, ઘી, ગોળ, દૂધ સહિતના ખાદ્યપદાર્થના ભાવોમાં વધારો થતાં વસાણાના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. 

ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જોર વધતા લોકો ઉની વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. માત્ર બાહ્ય નહીં પરંતુ ઠંડીથી આંતરિક રક્ષણ માટે, શિયાળામાં શરીરનું તાપમાન જળવાઈ રહે, ઠંડીના કારણે થતાં રોગો સામે બચવામાં ઉપયોગી બને તે માટે વર્ષોથી વસાણા આરોગવામાં આવે છે. ઠંડીનું પ્રમાણ વધતા જ બજારમાં વિવિધ ચિકી, મેથી પાક, અંજીર પાક, સૂંઠ પાક, અડદિયા પાક સહિતના વસાણાઓનું આગમન થઈ ગયું છે. 

આખા વર્ષ માટેની ઈમ્યુનિટી મેળવવા માટે શિયાળો ઉત્તમ ઋતુ ગણાય છે. જેથી ઠંડીની શરૂઆતથી જ મેથી પાક, સાલમ પાક, અડદિયા પાક, ખજૂર પાક, ગુંદર પાક, અખરોટ પાક, આદુ પાક, અંજીર પાક, ગોળના લાડુ, મિક્સ ડ્રાયફૂટ પાક, સૂંઠ પાક, સિંગ પાક સહિતના વસાણાની માંગ વધી છે. ઉપરાંત વિવિધ પ્રકારની ચીકીઓ, કચરિયા, ગજક સહિતના વસાણા પણ લોકોની પ્રથમ પસંદગી બન્યાં છે. 

વસાણાઓમાં સૂંઠ, ગુંદ, કોપરૂ (નારીયેળ), ખજૂર સહિતના આયુર્વેદિક ગુણો ધરાવતા પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી આખા વર્ષ માટે બિમારીઓથી રક્ષણ માટે ઈંધણ મળી જતું હોય છે. ચાલુ વર્ષે ખાંડ, ઘી, ગોળ, દૂધ સહિતના ખાદ્યપદાર્થના ભાવોમાં વધારો થતાં વસાણાના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. 

શિયાળામાં આરોગવામાં આવતા વિવિધ વસાણા 

શિયાળુ પાક

ભાવ (પ્રતિ કિલો)

સફેદ તલનું કચરિયું

૨૪૦

કાળા તલનું કચરિયું

૨૮૦

રજવાડી કચરિયું

૨૮૦

ગુંદર મેથીવાળું કચરિયું

૩૨૦

ડ્રાયફ્રૂટ કચરિયું

૪૦૦

સિંગ પાક

૨૦૦

કોપરા/ખજૂર પાક

૨૮૦

સિંગની ચીક્કી

૨૦૦

તલ/માવા ચીક્કી

૨૪૦

ચોકલેટ માવા ચીક્કી

૨૮૦

સિંગ/ખજૂર/તલના લાડુ

૨૪૦


Google NewsGoogle News