સુરતમાં ઉતરાયણ પહેલા કિન્ના બાંધેલા પતંગની યંગસ્ટર્સમાં ડિમાન્ડ વધી
પતંગના શોખીન સુરતીઓમાં ઉત્તરાયણની ઉજવણી નો ક્રેઝ હજી પણ પહેલા જેવો આક્રમક જોવા મળે છે પરંતુ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. પહેલા ઉતરાયણની ઉજવણી માટે સુરતીઓ ભરપુર સમય ફાળવતા હતા પરંતુ હવે લોકો પાસે સમયનો અભાવ અને યંગસ્ટર્સ કિન્ના બાંધવાથી દુર ભાગતા હોવા થી કિન્ના બાંધેલા પતંગ નો વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, આજે પણ સુરતમાં અનેક પતંગ રસિકો એવા છે જેઓને પોતાની જરુરત મુજબ અને દોરી પ્રમાણે કિન્ના બાંધી પતંગ ચગાવે છે તેથી આજે પણ કેટલાક લોકો પતંગની કિન્ના પરિવાર સાથે જાતે બાંધીને પતંગ ચગાવી રહ્યા છે.
મોબાઈલ અને ઈન્ટરનેટ ના યુગમાં યંગસ્ટર્સ મોબાઈલમાં વ્યસ્ત રહેતા તેમની પાસે પરંપરાગત તહેવારની ઉજવણી માટે નો સમય ઘટી ગયો છે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા યંગસ્ટર્સ કિન્ના બાંધવા થી દુર ભાગે છે અથવા કિન્ના બાંધવાનું શિખવા માગતા નથી. યંગસ્ટર્સની આવી ટેવના કારણે હવે સુરતના પતંગ બજારમાં કિન્ના બાંધેલા પતંગ ની બોલબાલા વધી ગઈ છે. પતંગ નું વેચાણ કરનારા રાકેશભાઈ કહે છે, હવે સાદા પતંગ સાથે કિન્ના બાંધેલા પતંગ ની ડિમાન્ડ વધુ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અગાઉથી પતંગ ખરીદતા ગ્રાહકો છેલ્લા દિવસોમાં જ કિન્ના બાંધેલા પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે. માત્ર સુરત જ નહી પણ ગુજરાતના અન્ય શહેરો અને ભારતના અન્ય રાજ્યો સાથે વિદેશમાં જે પતંગ સપ્લાય થાય છે તે મોટા ભાગે કિન્ના બાંધેલા જ હોય છે. કિન્ના બાંધેલા આ પતંગને ખાસ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને ગ્રાહકોને આપવામાં આવે છે.
કિન્ના બાંધેલા પતંગ ખરીદનારા મેહુલભાઈ કહે છે, પહેલા પતંગની ખરીદી અગાઉથી કરતાં અને આખી રાત જાગી ને કિન્ના બાંધતાં હતા પરંતુ હવે છોકરાઓ કિન્ના બાંધવાની વાત થી દુર ભાગે છે. આ ઉપરાંત સમયનો અભાવ હોવાથી હવે અમે ત્રણેક વર્ષથી કિન્ના બાંધેલા પતંગ ની ખરીદી કરી રહ્યાં છે.
તો બીજી તરફ એવા લોકો પણ છે જેઓ ગમે તેવા વ્યસ્ત હોવા છતાં પતંગ ચગાવવાના રસીકો સમય કાઢીને પતંગની કિન્ના બાંધે છે અને પોતાના દીકરાને પણ કિન્ના બાંધતા શિખવી રહ્યા છે. ફરસાણના વ્યવસાયમાં વયસ્ત હોવા છતાં પ્રહલાદ પટેલ પતંગ રસીક છે તેથી તેઓ ખાસ પસંદ કરેલા પતંગ અને દોરીની ખરીદી કરે છે. એટલું જ નહી પરંતુ વ્યસ્ત સમય વચ્ચે પણ દિકરા ઉજ્જવલ અને પરિવારના સભ્યો સાથે કિન્ના બાંધવા માટે સમય કાઢે છે. પોતે કિન્ના બાંધી હોવાથી પતંગની દિશા નક્કી કરી શકે છે તેવું તેમનું માનવું છે. આવા અનેક અસલ સુરતી પરિવારો છે તેઓ પતંગની કિન્ના પોતે જ બાંધે છે અને પતંગ ચગાવવાનો આનંદ મેળવે છે. આમ ઉતરાયણમાં કિન્ના બાંધેલા પતંગની યંગસ્ટર્સમાં ડિમાન્ડ સાથે સાથે પતંગ રસીક સુરતીઓ હજી પણ જાતે કિન્ના બાંધીને ઉતરાયણની ઉજવણી કરી રહ્યાં છે.