વડોદરા: સમા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરીમાં વેઠ ઉતારવામા આવતા તપાસની માંગણી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સમા વિસ્તારમાં જય યોગેશ્વર સોસાયટી પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો આક્ષેપ વિસ્તારના રહીશો અને અગ્રણીઓએ કર્યો છે. તેમના કહેવા મુજબ આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાંચ થી છ વખત ભુવા પડેલા હતા અને ડ્રેનેજ લાઈન કંડમ થઈ જતા મોટો ખર્ચ કરી નવી નાખવી પડી રહી છે. કામગીરી માર્ચ 2024 માં શરૂ થવાની હતી તેના બદલે 9 મહિના મોડી શા માટે શરૂ કરવામાં આવી છે તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
કામગીરી પૂર્ણ કરવાની મુદત 11 મહિનાની હતી અને હવે ટૂંક સમયમાં મુદત પૂર્ણ થતા ફરી પાછું એક્સટેન્શન અપાશે અને તેમાં ગેરરીતિ કરવામાં આવશે તેવો આક્ષેપ કોંગ્રેસના પપ્પુએ કર્યો છે, અને વધુમાં કહ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ કોઈ કામગીરી થતી નથી. માટી પુરાણથી માંડીને કામગીરીમાં સિમેન્ટ કોન્ક્રીટ અને પાઇપોના જોઈન્ટ માં સિમેન્ટ વાપરી નથી. રેતી અને માટીના ઢગલા કરી દઈ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલી હદે ખોદકામ કર્યું છે કે આજુબાજુની મકાનો અને કમ્પાઉન્ડ ની દીવાલોને નુકસાન થઈ રહ્યું છે. કોર્પોરેશનના ઇજનેરો કે સલાહકારના ઇજનેરો સ્થળ પર જોવા મળતા નથી. પોલમપોલની જે કામગીરી થઈ રહી છે તેના લીધે સમાને ફરી પાછું પુરમાં તંત્ર ડુબાડવા માંગે છે. આ લાઈન સ્પોર્ટ્સ કોમ્પલેસથી ભરવાડ વાસ થઈ વિશ્વામિત્રી નદી તરફ લઈ જવાની છે, અને આખી કામગીરી તપાસ માગી લે તેવી છે.