Get The App

મરીડા ગામની નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવા માંગણી

Updated: Jan 7th, 2025


Google News
Google News
મરીડા ગામની નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવા માંગણી 1 - image


- ગ્રામજનોની મહાનગરપાલિકામાં રજૂઆત

- નડિયાદથી સવા કિ.મી. દૂર, 8500 ની વસ્તી ધરાવતા મરીડાને સમાવવા ડે.મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર

નડિયાદ : નડિયાદ પાસે આવેલા મરીડા ગામનો નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની માંગ સાથે ગ્રામજનો અને આગેવાનોએ નાયબ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. મનપામાં સમાવેશ થવાથી ગામમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો થવાની શક્યતા હોવાની સાથે ગામનો વિકાસ થશે તેવી રજૂઆત સાથે મનપામાં સમાવેશની માંગ કરી હતી.  સરકાર દ્વારા ૨૦૨૫ના પ્રથમ દિવસે જ નડિયાદ, આણંદ સહિત નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાના દરજ્જાના અમલીકરણની જાહેરાત કરી હતી. જેમાં નડિયાદ મનપામાં નડિયાદ પાલિકા વિસ્તાર ઉપરાંત ૧૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નડિયાદની નજીકમાં આવેલા મરીડા ગામનો મનપામાં સમાવેશ ન કરાતા ગ્રામજનોમાં નારાજગી વ્યાપી છે. તેમજ મ્યુનિ.માં સમાવેશ કરવાની માંગ સાથે ગામના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા નાયબ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.  

આવેદનપત્રમાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા નડિયાદ મનપામાં યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ મળી દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નડિયાદ મનપાની હદથી સવા કિલોમીટર દૂર અને ૮,૫૦૦ની વસ્તી ધરાવતા મરીડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 

મરીડાનો મ્યુનિ. કોર્પો.માં સમાવેશ કરવામાં આવે તો ગ્રામજનોને મળતી પ્રાથમિક સુવિધામાં વધારો થાય, સરકારી ગ્રાન્ટો અને યોજનાઓનો લાભ મળે. નડિયાદના સીમાડામાં આવેલું અંતરીયાળ ગામ મરીડા હાલ વિકાસ ઝંખી રહ્યું છે. ત્યારે મરીડાનો મનપામાં સમાવેશ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. 

Tags :
MaridaNadiad-Municipal-Corporation

Google News
Google News