બ્રિજ અને રોડ પહોળો કર્યા બાદ ૬૯ ઘરનું ડિમોલિશન કરવા માગ
બ્રિજ અને રોડ પહોળો કર્યા વિના રસ્તો બનાવાશે તો અવરોધો ઊભા થશે, ટ્રાફિકજામ થશે
વડોદરા, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગોરવા વિસ્તારમાં દબાણઓ તોડવામાં આવે તે પૂર્વે વિવિધ નગર વસાહતોમાં રહેતા લોકોને બેઘર બનતા રોકી સરકારની નીતિ મુજબ મકાનો ફાળવવાની માગણી સાથે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
વડોદરા કોર્પો.ના વિપક્ષના પૂર્વ મહિલા નેતાની આગેવાનીમાં અપાવેલા આવેદનમાં મધુનગર અને બોરિયા શમશેરનગર-૧ કરોડિયા રોડ, અંબિકા દલિતવાડીના લોકોના મધુનગર કરોડિયા રોડ, ટીપી-૫૫ ગોરવા રોડ લાઈનમાં આવતા હોવાથી કોર્પોરેશન તોડવા માંગે છે. આ ઘરો ટીપી રોડ લાઈન ફાઈનલ થાય તે પહેલાં વર્ષો અગાઉ બાંધવામાં આવ્યા છે. મોટાભાગના ઘરો, સ્લમ વિસ્તારો, સૂચિત નોટિફાઈડ સ્લમ છે. લોકોને તેમના ઘરને દૂર કરવા એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જે નોટિસો આપી છે તેમાં ૬૯ લોકોના ઘર સંપૂર્ણ અથવા એક ઓરડાના અડધા તૂટી રહ્યા છે. ૬૯ ઘરના લોકો બેઘર થશે. ડિમોલિશન પહેલા ઘરોનો સર્વે કરવા અને પીએમએવાય યોજનાઓમાં જોગવાઈઓ મુજબ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ ઉપરનો બ્રિજ પહોળાઈમાં નાનો છે. જો બ્રિજને પહોળો કર્યા વિના રસ્તો પહોળો કરવામાં આવે તો બોટલ નેક સર્જાશે. જેથી પહેલા બ્રિજ પહોળો કરવાની સાથે સાથે રોડ પહોળો કરવાની જરૃર છે. ત્યાં સુધી ઘર હટાવવાનો અને શિયાળામાં ૬૯ પરિવારોને બેઘર કરવાનો કોઈ અર્થ નથી, એમ તેમણે ઉમેર્યું હતું.