RSS, ભાજપ અને વિહિપ સાથે સંકળાયેલા દાહોદના હત્યારા આચાર્યને ફાંસી આપવા માગ
Dahod Principal Killed the Innocent: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ વિધાર્થીનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લામાં ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે. ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા આ હત્યારા આચાર્યને ફાંસી આપવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી બુલંદ બની છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગ
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર આચાર્યએ માસૂમ વિદ્યાર્થિનીની છેડતી કરવામાં નિષ્ફળતા મળતાં કારમાં જ ગળું દાબીને ઠંડે કલેજે હત્યા કરી વિદ્યાર્થિનીની લાશને પોતાની શાળામાં જ મૂકી દીધી હતી. શાળામાંથી વિદ્યાર્થિનીની લાશ મળતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે શિક્ષકો અને માસૂમ વિધાર્થીઓની પૂછપરછમાં આચાર્યના જઘન્ય કૃત્યનો પર્દાફાશ થતા હત્યારા આચાર્યને પોલીસે દબોચી લીધો હતો અને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ પર લીધો હતો.
56 વર્ષના આચાર્ય સામે લોકોનો રોષ
આ ઘટનાના પડઘા માત્ર તાલુકા અને જિલ્લામાં જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને આચાર્ય સામે ઠેરઠેર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. શાળાનું સંચાલન અને શિક્ષકો સહિત વિધાર્થીઓને સાચવવાની જવાબદારી જેના માથે છે એવા 56 વર્ષના આચાર્ય જ રક્ષકના બદલે ભક્ષક બનતા આચાર્ય ગોવિંદ નટના દુષ્કૃત્ય સામે ઠેરઠેર રોષ જોવા મળી રહ્યો છે.
આરોપી આચાર્યને ફાંસી આપવાની માગ
દરમિયાન આચાર્યએ આચરેલા ગંભીર પ્રકારના ગુનાથી દાહોદ જિલ્લાના સર્વે સમાજના લોકોમાં આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આચાર્યની વિરુધ્ધમાં લીમખેડા નગરના સર્વ સમાજના લોકોએ ભેગા થઈને લીમખેડાના રામદેવપીર મંદિરેથી રેલી સ્વરુપે આરોપીને ફાંસી આપો તેવા સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા જણાવાયું છે કે આચાર્ય ગોવિંદ નટનો હાલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે કોઈ સંબંધ નથી તેમજ તે કોઈ પદ કે હોદ્દો પણ ધરાવતો નથી અને કાર્યકર્તા પણ નથી.
લાંબા સમય પૂર્વે તેમણે સ્વયંભૂ રીતે પરિષદથી અલગ કરી દીધા છે. જો કે ગોવિંદ નટ ભાજપના પ્રચારથી લઈને ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપી હોવાના ફોટા વાયરલ થયા હતા. સંઘ જોડે પણ તેનું કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. ફેસબુક પર તેના ત્રણ-ત્રણ એકાઉન્ટ હતા પરંતુ વર્ષ-2015 પછી તેની એક પણ પોસ્ટ અપડેટ થયેલી જણાતી નથી.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતી માસૂમ બાળકીની છેડતી કરી હત્યા કરનાર આચાર્યની ધરપકડ બાદ રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસે આચાર્યને બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. દાહોદ પોલીસે આચાર્યને સાથે રાખી સમગ્ર બનાવનું ઘટનાસ્થળ પર જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
શાળાના તમામ કર્મચારીઓ અને બાળકો પોતાના ઘરે જતા રહ્યા બાદ પાર્ક કરેલી ગાડી શાળાના કમ્પાઉન્ડમાં નીચે ઉતારી દરવાજો ખોલી કાઈ રીતે ઊંચકીને બાળકીની લાશને શાળાના પાછળના ભાગે કમ્પાઉન્ડની અંદર તેમજ દફતર અને ચંપલ બાળકીના અભ્યાસ કરવાના રૂમની બહારના ખૂણામાં કેવી રીતે મુક્યા છે તે તમામ બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
'ચાલ બેટા ગાડીમાં બેસી જા' કહી કારમાં બેસાડી રાક્ષસી કૃત્ય કર્યું
આચાર્યના કાળા કરતૂત બાદ હત્યાનો ભોગ બનેલી માસૂમ બાળકીની માતાએ જણાવ્યું હતું કે મારે 4 વર્ષનો દીકરો અને એક 6 વર્ષની બાળકી મળી બે બાળકો હતાં. દીકરો નાનો હોવાથી તેને શાળામાં મૂક્યો ન હતો અને બાળકીને અભ્યાસ માટે તોરણી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
શાળા ઘરેથી દોઢ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી હું બાળકીને લઈને ઘરથી થોડે દૂર આવેલ રસ્તા પર ઉભી રહેતી હતી અને ત્યાંથી પસાર થતાં ચાર જેટલા શિક્ષકોમાંથી કોઈપણ શિક્ષક મળે તો તેઓની ગાડીમાં બેસાડી લઇ જતા હતા.
ઘટના બની તે દિવસે હું મારી પુત્રીને લઇને આ જ સડક પર ઉંભી હતી ત્યારે સવા દસેક વાગ્યાના અરસામાં આચાર્ય ગોવિંદ છગન નટ ત્યાંથી પસાર થતો હતો. મને તેમજ પુત્રીને જોઈને તરત જ ગાડી ઉભી રાખી, ચાલ બેટા મારી ગાડીમાં બેસી જા તેમ જણાવીને તે કારમાં બેસાડી લઈ ગયો હતો. માતાએ રૂદન સાથે જણાવ્યું હતું કે મને ક્યાં ખબર હતી કે આ મારી પુત્રી સાથેની અંતિમ મુલાકાત હશે. બેટા કહીને લઈ ગયેલો આચાર્ય આટલો રાક્ષસ જેટલો નીકળશે તેનો અંદાજ પણ ન હતો.
આ પણ વાંચો: કડાણા ડેમ 100 ટકા છલકાયું, 7 ગેટ ખુલ્લા મૂકાયા, આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી વાલીઓ સંતાનોને મોકલતા નથી
સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાની છ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીની હત્યાની ઘટના બાદ ગામમાં સન્નાટો છવાયો છે અને ગામમાં પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યો છે. વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ગભરાઈ રહ્યા છે. તોરણી પ્રાથમિક શાળામાં કુલ 196 રજીસ્ટર બાળકોની સંખ્યામાંથી માત્ર 81 જ બાળકો હાજર રહ્યા હતાં. શિક્ષકોને પૂછપરછ માટે અવારનવાર લીમખેડા પોલીસ મથકે જવું પડતું હોવાથી બાળકો વર્ગખંડમાં પણ એકલા બેસતા ગભરાઈ રહ્યા છે જેથી એક થી પાંચ ધોરણના બાળકો એક જ વર્ગખંડમાં બેસીને ભેગા અભ્યાસ કરતા જોવા મળ્યા હતાં.
ગોવિંદ નટના પરિવારના હોશ ઉડી ગયા
આચાર્ય ગોવિંદ છગન નટને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી મળી ત્રણ સંતાનો છે. ત્રણે ભાઈ બહેનના લગ્ન થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 56 વર્ષની આધેડ વયે આચાર્યનુ બાળકી સાથે શારીરિક અંડપલા કરી હત્યાના બનાવમાં નામ બહાર આવતા જ આચાર્ય ગોવિંદ નટના પત્ની અને સંતાનો સહિત પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.