ડુમ્મસ રોડના સાયલન્ટ ઝોનમાં દિલ્હીની મહિલાનો પ્લોટ સગા ભાઇએ પચાવી પાડયો
- બે બહેને રૂ. 92.86 લાખમાં પ્લોટ ખરીદયો પરંતુ સગો ભાઇ કામના બહાને ભાણજા પાસેથી પેમેન્ટની ડાયરી લઇ જઇ ખેલ કર્યોઃ ડેવલોપરને પ્લોટ પરત આપી તેની સામે બે પ્લોટ લઇ પુત્ર અને પુત્રવધુના નામે કરાવ્યા
સુરત
નવી દિલ્હીમાં રહેતા ર્સ્વગસ્થ ટેક્સટાઇલ વેપારીની પત્ની અને તેની બહેને ડુમ્મસ રોડના સાયલન્ટ ઝોનમાં ખરીદેલો પ્લોટ સગા ભાઇએ બારોબાર બિલ્ડરને પરત આપી તેના બદલામાં બે પ્લોટ પુત્ર અને પુત્રવધુના નામે કરાવી લઇ રૂ. 92.86 લાખથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ ડુમ્મસ પોલીસમાં નોંધાય છે.
નવી દિલ્હીના રાજા ગાર્ડન નજીક રાજૌરી ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા ટેક્સટાઇલ વેપારી કમલેશરાની કશ્મીરીલાલ છાબડા (ઉ.વ. 65) અને તેમની બહેન ક્રિષ્નાકુમારીએ ડુમ્મસ રોડના સાયલન્ટ ઝોન સર્વિસ સોસાયટીનો 2350 વારનો પ્લોટ નં. 32 રૂ. 52.87 લાખમાં ખરીદવાનો સોદો કર્યો હતો. બંને બહેને ટુક્ડે-ટુક્ડે રોકડ અને ચેકથી પ્લોટ માલિક એવા સમૃધ્ધિ કોર્પોરેશનના માલિક નરેશ શાહને પ્લોટનું પેમેન્ટ તથા મેઇન્ટેન્સના રૂ. 56 હજાર ચુકવ્યા હતા. પરંતુ દસ્તાવેજ માટે વાયદા કર્યા બાદ નરેશ શાહે વાર દીઠ વધુ રૂ. 1700 લેખે વધુ રૂ. 39.96 લાખની માંગણી કરી હતી. જેથી આ પેમેન્ટ ચુકવવા માટે ક્રિષ્નાકુમારીનો પુત્ર દીપક છાબડા અને તેમનો સગો ભાઇ મુનીષ ચંદીરામ બજાજ (રહે. કે ટાવર, આર્શીવાદ પેલેસ, જમના નગર, ઘોડદોડ રોડ, સુરત) જતા હતા. જે અંગેની ડાયરી બનાવી હતી અને રૂપિયા જમા લઇ નરેશ શાહ તેમાં સહી કરી આપતો હતો. આ ડાયરી વર્ષ 2016 માં મુનીશ ચંદીરામ બજાજ કામના બહાને દીપક છાબડા પાસેથી લઇ ગયો હતો અને પરત આપવાનો ઇન્કાર કરી તમારાથી થાય તે કરી લેજો એવી ધમકી આપી હતી. ઉપરાંત નરેશ શાહ પાસેથી પ્લોટની કિંમત પેટે રૂ. 7.05 લાખ પરત મળ્યાના બોન્ડ લઇ બંને બહેનના ખાતામાં જમા કરાવ્યા હોય તેવું બતાવ્યું હતું. ઉપરાંત પ્લોટ નં. 32 નરેશ શાહને પરત આપી દઇ પ્લોટ નં. 312 પુત્રવધુ સીમ્મી માધવ બજાજ અને પ્લોટ નં. 313 પુત્ર માધવ મુનીષ બજાજના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો. પોલીસે પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.