ગાંધીનગરમાં 2011ની બેચના IAS ઓફિસર અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરના ત્યાં CBIનો દરોડો
- બંદૂક લાઈસન્સમાં ગેરરીતિનો આરોપ, દિલ્હી CBIમાં FIR થયા બાદ મોડી રાત્રે ગુજરાતમાં ઓપરેશન,
- કે.રાજેશના વતન આંધ્ર પ્રદેશમાં પણ તપાસ
અમદાવાદ, તા. 20 મે 2022, શુક્રવાર
CBI દ્વારા 2011ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને તેમના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ બંદૂક લાઈસન્સમાં ગેરરીતિના આરોપ મુદ્દે દિલ્હી CBIમાં FIR થયા બાદ ગુજરાતમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને અધિકારીના ગૃહ રાજ્ય આંધ્રપ્રદેશમાં એક સાથે હાથ ધરવામાં આવ્યું હતું. CBIના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીના દિલ્હી યુનિટ દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
CBIના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારીનો કાર્યકાળ ખૂબ જ કલંકિત રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.
તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી કારણ કે, ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી પર જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારનું લાઈસન્સ આપવાનો આરોપ છે. આ તમામ પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લીધા બાદ ગુરૂવારે CBIના દિલ્હી યુનિટમાં કે. રાજેશ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી.
CBIના દિલ્હી યુનિટની એન્ટી કરપ્શન વિંગની એક ટીમ ગુરૂવારે સવારે ગાંધીનગર આવી પહોંચી હતી અને ગાંધીનગર સ્થિત CBI અધિકારીઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ જ પ્રકારે CBIની ટીમોને આંધ્રપ્રદેશમાં અધિકારીના વતન મોકલવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, 'અમને જાણવા મળ્યું છે કે કેટલાક સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચારના કૃત્યોમાં સામેલ હતા. અમે સૌરાષ્ટ્રમાં IAS અધિકારીના કાર્યકાળ દરમિયાન થયેલા જમીનોના સોદાઓની વિગતો તપાસીશું.'
તપાસમાં કેટલાક સામાન્ય નાગરિકોની સંડોવણી પણ બહાર આવશે જેમણે IAS અધિકારી સાથે હાથ મિલાવ્યા હતા અને તેમના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીનોના શંકાસ્પદ સોદાઓથી લાભ મેળવ્યો હતો. સર્ચ ઓપરેશન અને તેના ખુલાસા અંગે CBI તરફથી આજે સત્તાવાર નિવેદન આવે તેવી શક્યતા છે. અધિકારીઓ એવા દસ્તાવેજો શોધી રહ્યા છે જે કે. રાજેશના વ્યવહારો પર વધુ પ્રકાશ ફેંકે.