દિલ્લી- ભુજ ફલાઈટનું પ્રારંભ : પ્રથમ દિવસે જ 96 ટકા સીટો બુક
ભુજ એરપોર્ટ પર પહોંચેલી ફલાઈટન વોટર કેનન સલામી અપાઈ
હવેથી અમદાવાદનો ધક્કો બચશે, એનઆરઆઈ પ્રવાસીઓને વિશેષ ફાયદો થશે
કચ્છવાસીઓની જે વર્ષોની માંગણી હતી તે આજે સંતોષાતા હર્ષ વ્યકત કરતા એરપોર્ટ ડાયરેકટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે, ભુજ- દિલ્હી વચ્ચેની આ ફલાઈટની સીટની ક્ષમતા ૧૮૨ છે. પ્રથમ દિવસે માત્ર ૫ સીટ ખાલી રહી હતી એટલે ૯૬ ટકા ફલાઈટ બુક હતી. દિલ્હીથી આફ્રિકા જતી ફલાઈટ દિલ્હીથી બપોરે ૧૨.૩૦ ઉપડે છે તેને રાત્રે ૧૨.૩૦ વાગ્યે ઉપાડવામાં આવે તેવી રજુઆતો કરાઈ છે જેથી, ભુજથી જતા મુસાફરોને આફ્રિકા માટે આ ફલાઈટ મદદરૂપ બની રહે. તેમજ લંડન અને સીંંગાપુર જતા મુસાફરોને પણ આ ફલાઈટ થકી લાભ મળે તે માટે રજુઆતો કરાશે. પહેલા દિલ્હી જવા માટે અમદાવાદ અને રાજકોટ જવાની ફરજ પડતી અને પાંચ છ કલાકની અને આખી રાત મુસાફરી કરવી પડતી હતી તે સમસ્યાનો અંત આવ્યો છે. કંડલા, મુંદરાને સીધી આ ફલાઈટથી દિલ્હીની કનેકટીવીટી મળશે. લંડન અને યુરોપ જવા માટે ખાસ ફાયદો થશે. ઘણા વિદેશી પ્રવાસીઓ કચ્છ આવતા ન હતા પરંતુ હવેથી તેઓ પણ આવશે. હવે દિલ્હીથી તેઓ આવી શકશે.
આજથી શરૂ થયેલી આ ફલાઈટ દિલ્હી એરપોર્ટથી બપોરે ૩ વાગ્યે ઉપડી ભુજ એરપોર્ટ ૪.૩૦ વાગ્યે પહોંચશે અને ભુજ એરપોર્ટથી પરત સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડી સાંજે ૭ વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચશે.
૧૮૦થી ૧૬૦ની સીટની ક્ષમતાવાળી ઈકોનોમી કલાસની ટિકિટ રૂ.૮૭૫૦ તેમજ ઓફ સીઝનમાં આ ભાવ ૫૫૦૦ સુધી જવાની સંભાવના છે. ભુજ- દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ થવાથી અમદાવાદનો ફેરો બચશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં મુસાફરી કરવા માટે દિલ્હી- અમદાવાદની ફલાઈટમાં મુસાફરી કરવી પડતી હતી પરંતુ હવેથી સમય બચશે.
છેલ્લા અનેક વર્ષોથી ભુજ- દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ થાય તેવી માંગ હતી. આખરે મંજુરી મળ્યા બાદ આજથી આ સેવા શરૂ થઈ હતી. આ ફલાઈટ શરૂ થાય તે અંગે સાંસદ વિનોદ ચાવડા તેમજ ગ્લોબલ કચ્છ ફેડરેશન, ભુજ ચેમ્બર સહિતનાઓએ ઉડ્ડયન મંત્રીને રજુઆતો કરી હતી.