યુનિ.ના નવા પરીક્ષા ભવન માટે ફર્નિચરની ખરીદી કરવામાં વિલંબ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ બિલ્ડિંગની પાછળ નવી ઈમારત પરીક્ષા ભવન તરીકે ઓળખાય છે.આ ઈમારતમાં પરીક્ષા વિભાગનું સ્થળાંતર કરવામાં આવશે.જોકે હવે નવા શૈક્ષણિક વર્ષ વગર પરીક્ષા ભવન કાર્યરત થાય તેવી શક્યતા દેખાતી નથી.
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે નવું પરીક્ષા ભવન બનીને તૈયાર છે.તેના માટે ૫૦ લાખ રુપિયા કરતા વધારે કિંમતનુ ફર્નિચર ખરીદવાની જરુર છે.આ માટેની દરખાસ્ત બે મહિનાથી પડી રહી છે. કારણકે દિવાળી વેકેશન બાદ પરચેઝ કમિટિની બેઠક મળી જ નથી અને આ બેઠક નહીં મળવાના કારણે ફર્નિચર ખરીદી માટેની દરખાસ્તોને મંજૂરી મળી રહી નથી.
એવુ પણ જાણવા મળ્યું છે કે, એક વખત પરચેઝ કમિટિની બેઠક મળશે અને તેમાં આ દરખાસ્તો મંજૂર થશે એ પછી ગર્વમેન્ટના પોર્ટલ જેમ પરથી ફર્નિચર ખરીદવા માટે ટેન્ડરો મંગાવવામાં આવશે.જે વેપારી કે કંપનીનું ફર્નિચર ખરીદવાનો નિર્ણય લેવાશે તેને પરીક્ષા ભવનમાં ફર્નિચર ઈન્સ્ટોલેશનની પણ કામગીરી કરવી પડશે અને આ સમગ્ર પ્રક્રિયામાં ખાસો સમય લાગશે.જેના કારણે નવું પરીક્ષા ભવન હવે નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાર્યરત થાય તેવી શક્યતા ઓછી છે.
આ પરીક્ષા ભવનને ગ્રીન બિલ્ડિંગ ટેકનોલોજીથી લગભગ ૩ કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.બિલ્ડિંગમાં પરીક્ષા વિભાગને ખસેડવાની યોજના છે.હાલમાં યુનિવર્સિટી હેડ ઓફિસમાં કાર્યરત પરીક્ષા વિભાગને જગ્યા ઓછી પડી રહી છે.નવા પરીક્ષા ભવનમાં પરીક્ષા વિભાગની તમામ કામગીરીની સાથે સાથે ઉત્તરવહીઓ તપાસવાના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ પણ બનાવવામાં આવશે.