વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ
- બ્રિજના કામ માટે સરકારે રૂપીયા આપવાનું બંધ કરતા નાણાકીય મુશ્કેલી
- સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી બ્રિજનું કાર્ય પૂર્ણ કરવાનું કહેતા બીજા કામો પર અસર થશે
વડોદરા, તા. 07
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબા ફલાય ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે ,અને હજી ૩૦ ટકાથી વધુ કામ પૂરું થવાનું બાકી છે. બ્રિજનું કામ તો ત્રણ વર્ષમાં પૂરું કરી નાખવાનું હતું .હવે કામગીરી પૂર્ણ થવામાં નાણાકીય પ્રશ્ન ઉભો થયો છે .રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે એવી ઘોષણા કરાઇ હતી કે બ્રિજ માટે રૂ 288 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. જોકે એ પછી સરકારે માત્ર 76 કરોડ જ આપ્યા છે, ત્યારબાદ સરકારમાંથી એવું જણાવી દીધું છે કે બ્રિજની કામગીરી સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી પૂર્ણ કરવી.
દર વર્ષે સરકાર માંથી આશરે ૨૦૦ કરોડની સ્વર્ણિમ ગ્રાન્ટ કોર્પોરેશન મળે છે. આ ગ્રાન્ટ રોડ ,પાણી ,ગટર જેવી મૂળભૂત સુવિધાના કામો માટે વાપરવાની હોય છે. કોર્પોરેશન વર્ષે આશરે 192 કરોડ ના કામો ગ્રાન્ટમાંથી કરી શકે છે. નવા નાણાકીય વર્ષ ના બજેટમાં સ્વર્ણિમ ની ગ્રાન્ટમાંથી બ્રિજ ની કામગીરી માટે 60 કરોડ ફાળવ્યા છે .જો બ્રિજ નો ખર્ચ ગ્રાન્ટમાંથી જ કરવાનો હોય તો પછી શહેરમાં રોડ, પાણી ,ગટરના કામો કઇ રીતે થઇ શકશે તે સવાલ છે. બ્રિજની કામગીરી માટે સરકારે જ નાણાં આપવા જોઈએ અને સ્વર્ણિમ ની ગ્રાન્ટમાંથી તેનો ખર્ચ કરવો જોઈએ નહીં તેમ વિપક્ષ કહે છે અને જણાવે છે કે આ બ્રિજ ના નાણા સરકાર આપતી નથી અને બીજા નવા છ બ્રિજ મંજૂર કર્યા છે.
સરકાર બ્રિજના રૂપિયા નહીં આપે તો કામગીરી વિલંબ થી થશે અને લોકોને હાલ ટ્રાફિકની પડતી મુશ્કેલી વધુ સહન કરવી પડશે .જો કે સત્તાધારી પક્ષે બ્રિજનાં રૂપિયા માટે સરકાર સમક્ષ માગણી મૂકી જ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નક્કી થયા મુજબ સરકાર રૂપિયા આપશે.