ગુજરાતમાં બે નવા એકસપ્રેસ હાઇવે બનાવવાની જાહેરાત, જુઓ ક્યાં બનશે
Gujarat Budget News | ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. બજેટમાં ગુજરાતમાં બે નવા એકસપ્રેસ હાઇવે બનાવવાની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો સહિતના તમામ ક્ષેત્રો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
ડીસાથી પીપાવાવ રસ્તાને "નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઇસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. "ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર" પ્રોજેકટ હેઠળ 1367 કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે. વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને "નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.
"સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે" વિકસાવવામાં આવશે
આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં "સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે" તરીકે વિકસાવવામાં આવશે. તેમજ મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.
દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવશે
નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા પસંદ કર્યા છે. જેમાં સુરત ઇકોનોમિક રીજીયન(SER)નો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે. જેનાથી SER હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રીજીયન (SER)સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય આર્થિક વિકાસ શક્ય બનશે.
બજેટ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.