ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં
Deesa Fire: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી અહીં ફટાકડાનું ગોડાઉન હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે પરિવારજનોએ આ ફેક્ટરી વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મધ્ય પ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતાં.
મધ્ય પ્રદેશ મોકલાયા મૃતદેહો
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા અને પોસ્ટ મોર્ટમ બાદ મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે. પરિવારજનોએ આ વિશે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં ફક્ત ગોડાઉન નહતું પરંતુ, ફટાકડાં બનાવવામાં આવતા હતાં. ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી 'SIT' નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા
નારોલથી મોકલાવાતો હતો એલ્યુમિનિયમ પાઉડર
આ સિવાય ફટાકડાંની ફેક્ટરીમાં સુતળી બોમ્બ બનાવવાને લઈને પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં અમદાવાદના નારોલનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારોલના અગ્રવાલ નામનો વ્યક્તિ અહીં ફટાકડાં બનાવવા માટે એેલ્યુમિનિયમ પાઉડર મોકલવામાં આવ્યો હતો. કોઈપણ સરકારી મંજૂરી વિના અહીં ધોળા દિવસે ફટાકડાં બનાવવામાં આવતા હતાં. 21 જિંદગીઓ ભૂંજાયા બાદ પણ સરકાર ઊંઘતી ઝડપાઈ છે.
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડનો સૂત્રધાર દીપક મોહનાની IPlની મેચમાં અમદાવાદ સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો હતો
પરિવારજનોનો ગંભીર આરોપ
નોંધનીય છે કે, તંત્ર દ્વારા જાહેરાત કરાયા બાદ પણ પરિવારજનો હજુ આરોપ લગાવી રહ્યા છે કે, અમને મૃતદેહની સોંપણી કરવામાં નથી આવી. મૃતદેહોને બારોબાર રફેદફે કરવામાં આવ્યા છે. અમે ગુજરાત આવી રહ્યા હતાં, તેમ છતાંય મૃતદેહોને અમારી જાણ બહાર મધ્ય પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.પરિવારજનો ડીસા સિવિલ સામે ભારે આક્રંદ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે.