ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો
Deesa Blast : બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. મધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર આજે 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. તે હજુ ગુજરાતમાં જ છે.
ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) સવારે 8 વાગે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ બાદ બાદ આગ ફાટી નીકળી હતી. એટલું જ નહીં, શક્તિશાળી વિસ્ફોટથી દીવાલો પણ ધસી પડી હતી, જેમાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘણાં મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા.
આ દુર્ઘટનામાં હંડિયાના 8 અને દેવાસના સંદલપુરના 9 મજૂરોના મોત થયા હતા. તો બીજી તરફ ખાતેગાંવના કોન્ટ્રાક્ટરે પણ જીવ ગુમાવ્યો હતો. 8 મજૂરોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 3 ની હાલત ગંભીર છે. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરાઈ છે. જેમની સામે સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ
તંત્રએ કરાવ્યા અંતિમ સંસ્કાર
આ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા 18 લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નર્મદા ઘાટ (નેમાવર) પર મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવ્યો હતો. દેવાસના મજૂરોના મૃતદેહ પહેલાં તેમના પૈતૃક ગામ સંદલપુર પહોંચ્યા હતા. ત્યાં અંતિમ દર્શન બાદ તમામ મૃતદેહોને નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા.
તો બીજી તરફ હરદાના હંડિયાના લોકોના મૃતદેહ ગુજરાતથી સીધા નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.