MSU એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના નિર્ણયો સાર્વજનિક કરવામાં આવે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંપૂર્ણ પીઠબળના કારણે ત્રણ વર્ષ સુધી ખાનગી યુનિવર્સિટીની જેમ ચલાવનાર ડો.વિજય શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલર તરીકે રાજીનામુ આપવું પડયું છે.એ પછી તેમણે પોતાના કાર્યકાળમાં એકહથ્થુ શાસન ચલાવીને લીધેલા નિર્ણયો સામે વિરોધનો સૂર પણ વધી રહ્યો છે.
યુનિવર્સિટીના અધ્યાપક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, એમએસયુ દ્વારા ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને એક પત્ર લખવામાં આવ્યો છે.સંગઠન વતી પ્રમુખ પ્રો.અમિત ધોળકિયા અને મંત્રી ડો.ચેતન સોમાનીએ માગ કરી છે કે, યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મિટિંગ, બજેટ રિપોર્ટ, એન્યુઅલ રિપોર્ટ અને બીજી જરુરી જાણકારી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે.જેથી યુનિવર્સિટીના સંચાલનની પારદર્શિતા જળવાય.ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર હતા ત્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકોની જાણકારી બહાર ના જવી જોઈએ તેવું ફરમાન તેમણે કાઉન્સિલના કહ્યાગરા સભ્યોને કર્યું હતું અને તેના કારણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કઈ દરખાસ્તો પર ચર્ચા થઈ અને શું નિર્ણય લેવાયા તેની કોઈને ખબર પડતી નહોતી.યુનિવર્સિટીનો વહિવટ એક ખાનગી સંસ્થા જેવો થઈ ગયો હતો.
શૈક્ષિક મહાસંઘે એવી પણ માગ કરી છે કે, ડો.શ્રીવાસ્તવના રાજીનામા અંગે યુનિવર્સિટી દ્વારા હજી સુધી સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો નથી.યુનિવર્સિટી આ બાબતે સ્પષ્ટતા કરે અને ડો.શ્રીવાસ્તવ હવે યુનિવર્સિટીની કોઈ પણ કમિટિના ચેરપર્સન તરીકે નથી તેવી પણ સત્તાવાર જાણકારી પરિપત્ર પાઠવીને આપે.
ડો.શ્રીવાસ્તવને વીસીના બંગલામાં રહેવું હોય તો લેખિતમાં વિનંતી કરે
હજી સુધી ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલરનો બંગલો ખાલી નથી કર્યો ત્યારે શૈક્ષિક મહાસંઘે તો એમ પણ કહ્યું છે કે, જો વાઈસ ચાન્સેલર તરીકે તેમને કોઈ લાભ આપવામાં આવતા હોય તો તે પાછા ખેંચવામાં આવે તેમજ તેમને હજી બંગલામાં રહેવું હોય તો તેમની પાસેથી લેખિત વિનંતી મંગાવવામાં આવે અને યુનિવર્સિટીની સત્તાવાર કમિટિ દ્વારા આ વિનંતી મંજૂર કરવામાં આવે.