પ્રાણપ્રતિષ્ઠા વખતે સુરતને રામમય કરી દેનાર મહાનગરપાલિકા પર બગડ્યા શિવભક્તો, હોર્ડિંગ મુદ્દે વિવાદ
Surat News : ભાજપ પક્ષે એક વર્ષ પહેલાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ દરમિયાન આખા સુરતને રામમય બનાવી દીધું હતું. એક વર્ષ પહેલાં આખા સુરતમાં રામ રાજ્ય હોય તેવો માહોલ થયો હતો. પરંતુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂરું થાય તે પહેલા સુરતમાં ભાજપના કહેવાતા રામ રાજ્યમાં શિવ કથાના હોર્ડિગ્સ ઉતારી લેવાનો નિર્ણય વિવાદનું કારણ બન્યો છે.
પાલિકાની સ્થાયી સમિતિએ હોર્ડિગ્સ ફાળવ્યા બાદ તેની સમય મર્યાદામાં ઘટાડો કરી દેવાતા લાખો શિવભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન કથા માટે હોર્ડિગ્સની ભલામણ કરનારા શાસક પક્ષના જ કૉર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે હોર્ડિગ્સ ઉતારવાનો નિર્ણય શિવ ભક્ત અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું અને સાંખી ન લેવાય તેવો મત વ્યક્ત કર્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં શ્રી સાંઈ લીલા ચેરીટેબલ ટ્રસ્ટ(શ્રી સાંઈ લીલા ગ્રૂપ)ને શિવ મહાપુરાણની ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વિવિધ જગ્યાએ તારીખ 4થી 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે આપવાનો ઠરાવ 3 જાન્યુઆરીની સ્થાયી સમિતિએ કર્યો હતો અને આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના જ કૉર્પોરેટરે અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કરી હતી. તેમની ભલામણ બાદ પણ સ્થાયી સમિતિએ ઠરાવમાં સુધારો કરીને સમય મર્યાદા ઘટાડવાનો નિર્ણય કરતાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હવે ખુલીને સામે આવ્યા છે.
ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના કૉર્પોરેટર એવા સોમનાથ મરાઠે એ જણાવ્યું હતું કે, સુરત પાલિકાએ ઠરાવ કરીને ફાળવેલા હોર્ડિગ્સ દૂર કરવા માટેનો જે નિર્ણય કર્યો છે તે સનાતન ધર્મ અને કથાનું પણ અપમાન છે તેની સાથે મારી ભલામણ હતી તેથી મારું પણ અપમાન છે તેની સાથે સાથે શિવ ભક્તોનું પણ અપમાન છે તે સાંખી લેવામાં આવશે નહીં. આ હોર્ડિગ્સ માટે ભલામણ મેં કરી હોય તો તેને ઉતારવા પાછળનું કારણ મને લેખિતમાં જણાવવાનું હતું કારણ હું પણ એક કૉર્પોરેટર અને પાલિકાની કમિટીનો અધ્યક્ષ છું. પરંતુ હોર્ડિગ્સની ફાળવણી રદ થવાની જે ઘટના થઈ છે તે નિંદનીય છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, હું સત્તા પક્ષનો કૉર્પોરેટર અને ચેરમેન છું અને મારી ભલામણથી જ્યારે હોર્ડિગ્સ ફાળવવામાં આવ્યું હોય ત્યારે આવું પોલિટીક્સ વચ્ચે આવવું જોઈતું ન હતું અથવા તો જો આવું જ કરવાનું હતું તો હોર્ડિંગ્સ આપવું જોઈતું ન હતું. મારી ભલામણ હતી તેને રદ કરવા માટેની લેખિત જાણ મને કરવી જોઈતી હતી. જો આવું કરવામાં આવ્યું હોત તો અમે સમજાવી શકત અથવા તો અમે તેના પૈસાની ચૂકવણી કરત. લાખો ભક્તો જ્યારે આવ્યા છે ત્યારે આ નિર્ણય ખોટો છે અને ક્યાંક ભૂલ તો થઈ છે. આ કથામાં બે આયોજકો સાથે હું સંયોજક છું અને તમામ મેનેજમેન્ટ પરવાનગી લઈને કથા હેન્ડલનું કામ કરી રહ્યો છું તેથી વ્યસ્ત છું તેથી કારણ જાણવા મળ્યું નથી. પરંતુ જે કંઈ થયું છે તે યોગ્ય થયું નથી તેમ તેઓએ કહ્યું હતું.