ચૂંટણી ઇફેકટ : મહાપાલિકામાં મિલ્કત વેરાનાં કાર્પેટ એરીયા કર પધ્ધતિનાં બેઝીક દરો યથાવત રાખવા નિર્ણય
- ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં 6 ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરાયા, કુલ 21 ઠરાવને બહાલી
- કંસારા શુધ્ધિકરણના પ્રોજેકટનું કામ 5 વર્ષે પણ પૂર્ણ ન થયુ, કરોડો રૂપિયા નાખ્યા પછી પણ ફાયદો ના થયો, બાવળીયા ઉગી ગયા, મચ્છરનો ત્રાસ યથાવત : કોંગ્રેસ
મહાપાલિકાના હોલ ખાતે આજે બુધવારે સાધારણ સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરાનાં કાર્પેટ એરીયા કર પધ્ધતિનાં બેઝીક દરો યથાવત રાખવા અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી જાન્યુઆરી-ફેબુ્રઆરી-ર૦ર૬માં મહાપાલિકાની ચૂંટણી છે તેથી શાસક ભાજપે મિલ્કત વેરો વધારવાનું ટાળ્યુ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. ભાજપે ગત વર્ષે મિલ્કત વેરામાં ફેકટર બદલ્યા હતા તેથી મોટાભાગના કરદાતાઓનો વેરો વધી ગયો છે અને જો હવે મિલ્કત વેરો વધારે તો લોકોમાં વિરોધ વધે તેમ હતો અને કોંગ્રેસને મુદ્દો મળી જાય તેમ હતો તેથી ભાજપે બુધ્ધિપૂર્વક મિલ્કત વેરો વધારવાનું માંડી વાળ્યુ હોવાની ચર્ચા છે.
સાધારણ સભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ નગરસેવકોએ કંસારા શુધ્ધિકરણનાં પ્રોજેકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. કંસારા શુધ્ધિકરણના પ્રોજેકટનું કામ પાંચ વર્ષે પણ પૂર્ણ થયુ નથી, કરોડો રૂપિયા નાખ્યા પછી પણ ફાયદો ના થયો, બાવળીયા ઉગી ગયા, મચ્છરનો ત્રાસ યથાવત છે. આ પ્રોજેકટનું કામ સમયસર નહીં થતા બજેટ પણ વધી ગયુ છે ત્યારે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવુ જરૂરી છે તેમ કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતું. આ પ્રોજેકટમાં ફેઝ-૧નું કામમાં રૂ. ૩૮ કરોડનો ખર્ચ થયો છે અને ફેઝ-રના કામમાં આશરે રૂ. ૪૦ કરોડનો ખર્ચ થશે તેમજ ફેઝ-રનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે તેમ મનપાના અધિકારીએ જવાબ આપતા જણાવ્યુ હતું. કંસારા પ્રોજેકટ માટે ઘણા મકાનો પાડી દીધા છે અને હજુ કામ પૂર્ણ થયુ નથી, જયારે હજુ ગઢેચી પ્રોજેકટમાં મકાન તોડવાની વાતો થઈ રહી છે તેમ કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતું. આ મામલે ચર્ચા દરમિયાન કોંગ્રેસ વિકાસ વિરોધી હોવાનો ભાજપ નગરસેવકે આક્ષેપ કરતા કોંગ્રેસ સભ્યોએ સભામાં દેકારો મચાવ્યો હતો અને ભાજપે જમીન વેચીને વિકાસ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આ બાબતે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.
મનપાની સાધારણ સભામાં લોકસભાવાળી થઇ હતી, જેમાં મેયરે વિપક્ષના માઈક બંધ કરાવતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો તેથી થોડીવાર બાદ માઇક શરૂ કરવામાં આવ્યા હતાં. પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થઈ જતા વેન્ડર ઝોનના પ્રશ્ને ચર્ચા થઈ શકી ન હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ૧પ રહેણાંકીય હેતુના લીઝ પટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવાની મંજૂરી આપવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ઘરવેરાની જુની કર પધ્ધતિમાં ચાર વર્ષનો બાકી વેરો એકસાથે ભરે તેની વર્ષ ૨૦૦૯-૧૦ પહેલાની બાકી વેરાની રકમ માંડવાળ કરવા તથા વ્યાજની સંપૂર્ણ રકમનું રીબેટ આપવાની યોજનાની મુદત આગામી તા. ૩૧ માર્ચ-૨૦૨૬ સુધી વધારવો, ઘરવેરા વિભાગે કરદાતાઓને એપ્રિલ અને મે માસમાં એક સાથે ચાલુ વર્ષ સહીતની બીલની રકમ ભરપાઈ કર્યેથી સામાન્ય કર અને સફાઈ કર પર એપ્રિલ-૨૦૨૫ માં ૧૦ ટકા રીબેટ તથા મે-૨૦૨૫ માં ૫ ટકા રીબેટ તથા ઓનલાઈન પેમેન્ટ કરતા ૨ ટકા વધારાનાં રીબેટ આપવાની મંજુરી અપાઈ હતી. ભાવનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, સભ્યઓ માટે આતિથ્ય ખર્ચ, સ્ટેશનરી, પ્રિન્ટર ખર્ચ સબંધે નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે તે રકમ જે તે વર્ષમાં ખર્ચ કરવાની અને આવા ખર્ચ માટે ભાવો માંગવાની પ્રક્રિયામાંથી મુકતી આપવાની કાયમી મંજુરી આપવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં સફાઈ કામદારને આથક સહાય ચુકવવી વગેરે ઠરાવ અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યા હતાં.
એક રાષ્ટ્ર, એક ચુંટણી સંકલ્પના સમર્થનમાં પ્રસ્તાવ કરાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં એક રાષ્ટ્ર, એક ચુંટણી સંકલ્પના સમર્થનમાં પ્રસ્તાવ મેયરે અધ્યક્ષ સ્થાનેથી કર્યો હતો તેથી કોંગ્રેસે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને આવુ થઈ શકે તેમજ નથી તેવો આક્ષેપ કરી કોંગ્રેસ નગરસેવકો સભામાંથી બહાર નિકળી ગયા હતાં. ભાજપે આ પસ્તાવને મંજૂરી આપી હતી.