વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય
Vadodara Taluka Panchayat : વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સભ્ય પદ ગુમાવવાનો વખત આવ્યો છે. વડોદરા તાલુકા પંચાયતમાં નંદેસરી વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહેલા પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલના પુત્ર રાજેન્દ્રસિંહ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા.
પંચાયત અધિનિયમ મુજબ ગેરહાજર રહેવું હોય તો સામાન્ય સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. પરંતુ રાજેન્દ્રસિંહ ગોહિલે આવો કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા.
આ મુદ્દે વડોદરા તાલુકા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી અને તેમાં ભાજપે વ્હિપ પણ જારી કર્યો હતો. સભાએ કરવાનું મતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્ય પદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો હતો. જે નિર્ણય રાજકીય દબાણથી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે.