છાણીને બદલે નિઝામપુરા સ્મશાન ખાતે ગેસ ચિતા બનાવવા નિર્ણય
છાણીમાં ગેસ ચિતા નથી, નિઝામપુરામાં છે, પણ બગડી ગઇ છે, તો કોર્પોરેશન રિપેર કરાવે
વડોદરા,વડોદરામાં વોર્ડ નં.૧ છાણીને બદલે હવે નિઝામપુરામાં ગેસ ચિતા બેસાડવા માટે કોર્પોરેશનની સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો છે. જોકે મૂળ દરખાસ્તમાં ગેસ ચિતા છાણી સ્મશાનગૃહમાં બેસાડવા ભલામણ કરાઇ હતી.
મૂળ દરખાસ્ત એવી હતી કે વોર્ડ નં.૧ના છાણીના કોર્પોરેટર હરીશ પટેલે તા.૯/૧૦/૨૪ના રોજ કોર્પોરેશનને પત્ર લખી જણાવ્યું હતું કે, છાણી સ્મશાન ખાતે છાણી ગામ અને આસપાસના વિસ્તારના દાતાઓએ લાકડાની ચિતાને બદલે ગેસ ચિતા મૂકવા માગણી કરી છે. આ ગેસ ચિતા માટે જે કાંઇ ખર્ચ આવશે એ તેઓ પોતાના અનુદાનમાંથી આપવા તૈયાર છે.
ભવિષ્યમાં ગેસ ચિતા ચલાવવા અને મેન્ટેનન્સનો ખર્ચ પણ પોતાના અનુદાનમાંથી આપશે, જેથી છાણી વિસ્તાર માટે ગેસ ચિતા મૂકવા અનુરોધ કરતા દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકાઇ હતી. દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે આ અંગે કહ્યું હતું કે નિઝામપુરાનું સ્મશાન વધુ ખરાબ હોવાથી ડોનરને વિનંતી કરવામાં આવી છે કે ગેસ ચિતા માટે ત્યાં ડોનેશન આપવામાં આવે.
દરમિયાન હરીશ પટેલે કહ્યું છે કે જે માણસને જ્યાં દાન કરવું છે, તે દાતા નક્કી કરે, સ્ટેન્ડિંગ સમિતિ નહીં. છાણી સ્મશાનમાં ગેસ ચિતા જ નથી. ત્યાં જો હોય તો સ્ટેન્ડિંગ સમિતિ નિઝામપુરા માટે સૂચવી શકે. નિઝામપુરામાં ગેસ ચિતા બગડેલી છે અને કોર્પોરેશને તે રિપેર કરાવવી જોઇએ.