સુરેન્દ્રનગરમાં લારી અને પાથરણાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે નિર્ણય કરાયો
મુખ્ય રસ્તા પરથી દબાણો હટાવતા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી
કલેક્ટર અને મનપાના અધિકારીઓએ બેઠક યોજી : ટાગોરબાગ પાછળના રોડ પર મનપાની ટીમનો સર્વે ઃ ડ્રો કરી જગ્યા ફાળવશે ઃ લારીધારકો ૨૭મી સુધી મનપાને વિગતો આપવી પડશે
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી ખીજડીયા હનુમાન, ટાંકી ચોકથી પતરાવાળી ચોક અને બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારીધારકો સહિત છુટક ધંધાર્થીઓને હટાવવામાં આવતા મનપા સામે નારાજગી જોવા મળી રહી છે.
આથી લારીધારકો પોપટપરા વિસ્તારમાં એકત્ર થયા હતા અને ત્યાંથી બેનરો સાથે કલેકટર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી અને અધિક કલેકટર તેમજ ડેપ્યુટી કમિશનરને મીલ રોડ તેમજ શ્રવણ ટોકીઝ રોડ પર વૈકલ્પિક અને કાયમી ધોરણે જગ્યા ફાળવવાની માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહિં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
મનપા દ્વારા રોડ પર ઉભા રહેતા લારીધારકોને શહેરના ટાગોર બાગ પાછળ તળાવ રોડ પર જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ આ જગ્યા પર તમામ લારીધારકોનો સમાવેશ થઈ શકે તેમ નહીં હોવાની લારીધારકોમાં ફરિયાદો ઉઠી હતી. તેમજ મીલ રોડ તેમજ શ્રવણ ટોકીઝ રોડ પર પણ જગ્યા ફાળવાની માંગ કરી હતી.
જેને લઇ મનપાના વહિવટદાર અને જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લારી ધારકો તેમજ પાથરણાવાળાઓના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બેઠક યોજાઈ હતી.
જેમાં શહેરના મુખ્ય રસ્તા પર બેસતા લારી તેમજ પાથરણાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શહેરની એન.ટી.એમ.હાઈસ્કૂલ પાસે આવેલ ટાગોર બાગના પાછળના ભાગે ઉભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેના માટે લારીધારકોએ આગામી તા.૨૭ જાન્યુઆરી સુધીમાં તમામ વિગતો મનપાને પુરી પાડવાની રહેશે. આ વિગતોના આધારે મનપાની ટીમ દ્વારા ટાગોર બાગના પાછળ આવેલી જગ્યા લારીધારકોને માપણી કરી તેમજ લારીધારકોના લીસ્ટનો ડ્રો કરી તેમને ફાળવવામાં આવશે અને માર્કિંગ કરી જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે ટાગોર બાગ પાછળના ભાગ સિવાયના મુખ્ય રસ્તાઓ તેમજ શહેરના અન્ય રસ્તાઓ પર કોઈપણ લારીઓ તેમજ પાથરણાવાળાઓને ઉભા રહેવા દેવામાં આવશે નહિં તેમ પણ જણાવવામાં આવ્યું છે.