Get The App

અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં યોગાસન કરનાર વડોદરાની યુવતીને જાનથી મારી નાખવાની ધમકી

ગોલ્ડન ટેમ્પલમાં શીર્ષાસન કરતો ફોટો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા બાદ યુવતીને ધમકીઓ મળવાની શરૂ થઇ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં યોગાસન કરનાર વડોદરાની યુવતીને જાનથી મારી નાખવાની ધમકી 1 - image


Vadodara Archna Makwana Golden temple News | અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ગુરૃદ્વારામાં શીર્ષાસન કરતો એક ફોટો વડોદરાની યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા ભારે વિવાદ ઊભો થયો છે અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ પોસ્ટ ડીલિટ કરી નાખી છે. જો કે યુવતીની સુરક્ષા માટે વડોદરા પોલીસે રક્ષણ આપ્યુ હોવાનું જાણવા મળે છે.

વડોદરામાં રહેતી યુવતી અર્ચના મકવાણા 19 જુને દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઇ હતી. આ કાર્યક્રમમાં તેને એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જે બાદ તા.૨૧ જુને તે અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ ગઇ હતી અને ત્યાં માથુ ટેકવ્યા બાદ તે ગુરૃદ્વારામાંથી બહાર આવી હતી અને યોગ દિવસ હોવાથી ટેમ્પલ પરિસરમાં તળાવ કિનારે તેણે યોગાસન કર્યા હતા, જેમાંથી શીર્ષાસન કરતો એક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. આ ફોટો  પોસ્ટ થયા બાદ અર્ચનાને પહેલા સોશ્યલ મીડિયા ઉપર અને પછી તેને ફોન ઉપર ધમકીઓ મળવાની શરૃઆત થઇ ગઇ હતી.

કેટલાક અજાણ્યા લોકોએ તેને ગોલ્ડન ટેમ્પલનું અપમાન ગણીને તો કેટલાકે અર્ચનાને તુ ગુજરાત કી હે ના.... તુ જે ગુરૃદ્વારા મે યોગ કરને કે લીયે કિસને બોલા... આવું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. આ ધમકીથી ગભરાઇને અર્ચનાએ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ફોટો હટાવી દીધો હતો અને માફી માગતો એક વીડિયો પણ જાહેર કર્યો છે, તેમ છતાં પણ ધમકીઓ મળવાનું ચાલુ રહેતા તેણે વડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો, જે બાદ અર્ચનાને પોલીસ પ્રોટેક્શન અપાયું છે. બીજી તરફ, અમૃતસરમાં અર્ચના વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું પણ જાણવા મળે છે.


Google NewsGoogle News