પાંડેસરામાં માતાની તરસ છીપાવવા પાણી લેવા ગયેલા પુત્રનું મોત
- રોડ ક્રોસ કરી રહેલા 13 વર્ષના કિશોરને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો
સુરત, :
સુરતમાં પાંડેસરામાં બાટલી બોય રોડ પર રવિવારે સાંજે માતાની તરસ છીપાવવા માટે પાણી લેવા જતા તેનો ૧૩ વર્ષીય પુત્રને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોતને ભેટયો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ રાજસ્થાનના બોન્ડીનો વતની અને પાંડેસરામાં બાટલી બોય રોડ પર એચપી પેટ્રોલ પંપ પાસે ફૂટપાથ પર રહેતી કાલીબાઇ આત્મારામ બાગરીયાને રવિવારે સાંજે પાણીની તરસ લાગી હતી. જેથી તેમનો ૧૩ વર્ષનો પુત્ર લાદુરામ નજીકમાં પાણી લેવા જતો હતો. તે સમયે પાંડેસરામાં પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ પાસે તેને પુરપાટ હંકારતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ભાગી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તેની માતા રમકડાનું વેચાણ કરે તો અમુક વખત ભીંખ માંગ હોવાનું સુત્રો જણાવ્યું હતું. તેના બે ભાઇ અને એક બહેન છે. આ અંગે પાંડેસરા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.