વડોદરામાં રહેતા ઓ.એન.જી.સી.ના નિવૃત્ત મહિલા કર્મચારીનું મોત
મધ્યપ્રદેશમાં રહેતા તેમના પરિવારના અન્ય ચાર વ્યક્તિઓના પણ કરૃણ મોત
વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતા ઓ.એન.જી.સી.ના નિવૃત્ત મહિલા કર્મચારી મધ્યપ્રદેશમાં રહેતા બહેન અને તેમના પરિવાર સાથે રાજસ્થાનમાં મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે રાજસ્થાનના કરૌલી ખાતે બસ સાથે તેમની કારને અકસ્માત થતા પાંચ વ્યક્તિઓના મોત થયા હતા.વડોદરામાં રહેતી મહિલાનો મૃતદેહ આવતીકાલે વડોદરા આવે તેવી શક્યતા છે.
માંજલપુર જી.આઇ.ડી.સી.રોડ પર આકાર કોમ્પલેક્સ સોસાયટીમાં રહેતા પ્રીતિબેન વાસુદેવભાઇ ભટ્ટ ઓ.એન.જી.સી.માં નોકરી કરતા હતા. હાલમાં જ તેઓ રિટાયર્ડ થયા છે.મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશમાં રહેતા તેમના બહેન અને બહેનના પરિવાર સાથે તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે રાજસ્થાનના કરૌલી નજીક એક બસ સાથે અકસ્માત થતા કારનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે, કારમાં સવાર પ્રીતિબેન ભટ્ટ સહિત પાંચેય વ્યક્તિઓના કરૃણ મોત થયા હતા. અકસ્માતના પગલે સ્થાનિક રહીશો તથા કરૌલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમણે મૃતદેહોને પી.એમ. માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા ૧૫ મુસારફોને પણ ઓછીવત્તી ઇજા થઇ હતી. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પ્રીતિબેનનો પુત્ર ક્રિષ્ણા રાજસ્થાન દોડી ગયો હતો. પ્રીતિબેનની એક દીકરી વિદેશમાં રહે છે. જે વડોદરા આવવા નીકળી ગઇ છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં માત્ર પ્રીતિબેન જ વડોદરાના રહેવાસી છે. બાકીના મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે.આ દુર્ઘટના બાદ કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનિતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી.