સાવલીમાં 70 ફૂટ ઉંડા કૂવામાં પડેલા વેપારીનું મોત,એક દિવસ પહેલાં જ APMCમાં ચૂંટાયા હતા
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે આજે સવારે કૂવામાં પડી ગયેલા તમાકુના વેપારીનું મોત થતાં તેમનો મૃતદેહ કાઢવા માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ની મદદ લેવાઇ હતી.
ગોઠડા ગામે રહેતા પરેશચંદ્ર નવીનચંદ્ર શાહ(૪૫) આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ખેતરમાં ગયા હતા.તેઓ દૂધ લઇને પરત નહિં ફરતાં પરિવારજનોએ તપાસ કરાવી હતી.પરંતુ તેમનો કોઇ પત્તો મળ્યો નહતો.
દરમિયાનમાં તેમના ખેતરના ૭૦ ફૂટ ઉંડા કૂવામાં તેમણે પહેરેલા ચંપલ અને બાઇકની ચાવી નજરે પડતાં લોકોને શંકા પડી હતી.જેથી સાવલીના ધારાસભ્યને જાણ કરતાં તેેમણે તરત જ વડોદરા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો બોલાવી શોધખોળ કરાવી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ દોરડા અને સીડી મારફતે ઓક્સિજન ટેન્ક સાથે૨૫ ફૂટ જેટલા પાણીમાં નીચે ઉતરીને શોધ કરતાં પાંચ કલાક બાદ પરેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.જો કે તેઓ વોલ વગરના કૂવામાં કેવી રીતે પડયા તે જાણી શકાયું નથી.જેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગામલોકોએ કૂવામાંથી પાણી ઉલેચ્યું
તમાકુના વેપારી કૂવામાં પડી ગયા હોવાની વાત ફેલાતાં ગ્રામજનોના ટોળાં ઉમટી પડયા હતા.ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકોએ કૂવામાંથી પાણી ઉલેચવા માંડયું હતું.પરંતુ વેપારીનો પત્તો લાગ્યો નહતો.
સાવલી એપીએમસીની ચૂંટણી પહેલાં બિનહરીફ થયા હતા
સાવલી એપીએમસીની આગામી તા.૧લી મે એ યોજાનારી ચૂંટણીમાં તમામ વર્ગોના લોકો સાથે ઘરોબો ધરાવતા પરેશ ભાઇએ વેપારી વિભાગની બેઠક પરથી ફોર્મ ભરતાં તેમની સામે બીજા કોઇએ ફોર્મ ભર્યું નહતું.જેથી તેઓ બિનહરીફ થયા હતા.જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પ્રક્રિયા બાદ થવાની હતી.