ગાંધીનગરનું વાસણા સોગઠી ગામ હિબકે ચઢ્યું, એક સાથે 8 ચિતા સળગી, સર્જાયા કરુણ દૃશ્યો
Death Due To Drowning In Gandhinagar: ગાંધીનગરના દહેગામ તાલુકામાં પસાર થતી મેશ્વો નદીમાં શુક્રવારે (13મી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન સમયે વાસણા સોગઠી ગામના 8 યુવકો ડૂબી જતાં મૃત્યુ થયા હતા. આ યુવાનોના મૃત્યુથી ગામનો માહોલ ગમગીન બની ગયો હતો. આજે (14મી સપ્ટેમ્બર) એક સાથે આઠ ચિતા સળગતાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા.
કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના
વાસણા સોગઠી ગામે 13મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાંક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે નદીમાં કૂદયા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતા જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત થતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 'બે વાગ્યા સુધીમાં ચૈતર વસાવાને બોલાવો નહીંતર...' ટાવર પર ચઢીને ખેડૂતે આપી આત્મહત્યાની ચીમકી
નીચે મુજબના મૃતકોના નામ જાહેર થયા
1. સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ. જિલ્લો- ખેડા
2. ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી
3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ) વાસણા, સોગઠી
4. ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી
5. ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી
6. ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી
7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
8. ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
PM મોદીએ પણ વ્યક્ત કર્યું દુ:ખ
આઠ યુવાનોના મૃત્યુ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે 'X' પર લખ્યું કે, 'દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના…'