વલસાડમાં યુવતીના મોત કેસમાં ઘટસ્ફોટ, દીકરીને ખેંચ આવતા માતાજી આવ્યાનું માની તેના શરીર પર કર્યા હતા દીવા
Valsad News : ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, બે બહેનો અને જમાઈ વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પારડીમાં 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત
મળતી માહિતી મુજબ, વલસાડના પારડીના પલસાણા ગામની 22 વર્ષીય દીકરીનું ગત 14 તારીખે શંકાસ્પદ મોત થયું હતું. યુવતીને શરીરના ભાગે ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા મેલી વિદ્યામાં શરીર પર ડામ દેવાના કારણે મોત થયું હોય તેવો વિવાદ શરૂ થતાં પોલીસે તપાસ આદરી હતી.
પરિવારે યુવતીના શરીર પર દીવડા કર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગત 4 એપ્રિલના રોજ દિવ્યા નામની મૃતક યુવતીએ પોતાને મેલડી માતાજી આવ્યા હોવાનું કહ્યું હતું. આ પછી યુવતીના કહેવાથી ઘરમાં પિતા, બે બહેનો અને જમાઈની હાજરીમાં પરિવારે યુવતીના શરીરના હાથ-પગ, પેટ અને મોઢાના ભાગે રૂની દિવેટો મૂકીને દીવડાઓ કર્યા હતા. જેમાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી પરિવારે યુવતીને ફક્ત ઘરગથ્થુ ઉપચાર કર્યો હતો.
આ દરમિયાન મૃતક યુવતીની તબિયત વધુ લથડી હતી અને તેને ખેંચ આવતા પછી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. આ પછી યુવતીનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને પલસાણા લઈ ગયા હતા. જ્યાં સ્મશાન વિધિ વખતે અંધશ્રદ્ધામાં યુવતીનું મોત નીપજ્યું હોવાનો વિવાદ ઊભો થયો હતો.
આ પણ વાંચો: ગુડ ફ્રાઈડે નિમિત્તે વડોદરાના વિવિધ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ
જ્યારે મેડિકલ રિપોર્ટમાં પરિવારની બેદરકારીને કારણે યુવતીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા અર્જુન સુખા હળપતિ, બહેન ઈશિતા અર્જુન હળપતિ, પ્રિયંકા જીગ્નેશ હળપતિ અને જમાઈ જીગ્નેશ હળપતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.