માનેલી દીકરી કોમલ અનેે તેની માતાની જામીન અરજી નામંજૂર
કોમલે પેટ્રોલપંપના એકાઉન્ટમાંથી પોતાના પર્સનલ એકાઉન્ટમાં ૧૬.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા
વડોદરા,પી.વી. મૂરજાણીના પત્નીએ તેમની માનેલી દીકરી કોમલ તથા કોમલની માતા સંગીતાબેનના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની જ રિવોલ્વર વડે ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પુત્રી અને માતાની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
સંગમ ચાર રસ્તા પાસે જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા પુરૃષોત્તમ મૂરજાણીએ એક મહિના અગાઉ પોતાના જ ઘરે રાતે લાયસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો. તેમના પત્ની જાગૃતિબેને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કોમલ અને તેની માતા સંગીતા સામે ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી છે કે, મિલકત પડાવી લેવા માટે પી.વી. મૂરજાણીની માનેલી દીકરી કોમલ તથા કોમલની માતા ત્રાસ ગુજારતા હતા. તેઓએ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની તથા ગાળો બોલી માર પણ માર્યો હતો. પોલીસે ખંડણી, આપઘાતની દુષ્પ્રેરણા, મદદગારી, ગાળો બોલીને મારામારી કરવી જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી માતા - દીકરીને એરેસ્ટ કર્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલી કોમલ અને તેની માતા સંગીતાબેને જામીન પર છૂટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી જણાવવામાં આવ્યું હતું કે, કોમલે પેટ્રોલપંપના એકાઉન્ટમાંથી પોતાના પર્સનલ એકાઉન્ટમાં ૧૬.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા છે. આરોપીનો ઇરાદો પ્રથમથી જ પી.વી.મૂરજાણીની મિલકતો પડાવી લેવાનો જણાઇ આવે છે. સ્યૂસાઇડ નોટમાં પણ માતા પુત્રીના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે તો પુરાવાનો નાશ કરે તેવી શક્યતા છે. પી.વી. મૂરજાણીના પત્ની ઘરે એકલા રહેતા હોઇ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો કોઇ મોટો ગુનો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.જો આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો આવા ગંભીર ગુનાઓ કરનારને પ્રોત્સાહન મળશે. બંને પક્ષની રજૂઆતો સાંભળી અદાલતે માતા - પુત્રીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.