માધવપુરનાં દરિયામાં તા. 15મીએ ભાઈબીજ નિમિત્તે યમુનાજી સમુદ્રસ્નાન

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
માધવપુરનાં દરિયામાં તા. 15મીએ ભાઈબીજ નિમિત્તે યમુનાજી સમુદ્રસ્નાન 1 - image


જે લોકો મથુરા નથી પહોંચી શકતા એ બધા માધવપુર આવે છે :  એક વાયકા એવી છે કે ભાઈબીજના દિવસે યમુનાજીનું સમુદ્રમાં થોડી મિનિટો માટે પ્રાગટય થાય છે અને સવારે ચારથી પાંચ વચ્ચે પાણી મીઠું થઈ જાય છે

માધવપુર, :  જયાં ધરતી અને દરિયો સાવ નજીક નજીકમાં છે અને એક બાજુ હોડી ચાલતી હોય અને બીજી બાજુ બસ અને વાહનો રસ્તા પર દોડતા હોય ેઅવો નજારો તો છેક પોરબંદર સુધી માધવપુરમાં જ જોવા મળે ,માધવપુરમાં અનકોવિધ વિશેષતાઓ છે. અહી સોહામણા બીચ ઉપરાંત એવી માન્યતા છે કે ભાઈબીજના દિવસે વહેલી સવારે બ્રાહ્મ મુહુર્તમાં ચારથી પાંચ વચ્ચે થોડી ક્ષણો દરિયાનું પાણી મીઠું થઈ જાય છે. આ દરિયામાં ભાઈબીજના દિવસે યમુનાજી પધારતા હોવાથી સમુદ્રસ્નાનનો મહિમા મોટો છે. અહી તા.૧૫મીએ હજારો લોકો સમુદ્રસ્નાન માટે ઉમટી પડશે. 

વર્ષોથી એક લોકવાયકા એવી છે કે ભાઈબીજના દિવસે વહેલી સવારે બ્રાહ્મ મુહુર્ત 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં સમુદ્રમાં યમુનાજી પધારે છે. અને એ સમયે સાગરના ખારા જળ મીઠાં બની જાય છે.આ માન્યતાના કારણે અહી વર્ષોથી યમુનાસ્નાન અને યમુનાપાન માટે હાજરો લોકો માધવપુર આવે છે જે લોકો કોઈ કારણવશાત મથુરા જઈ શકતા નથી. એ બધા માધવપુરમાં આવે છે. અને કૃષ્ણ(માધવ)નગરી માધવપુરમાં સ્નાન લાભ લઈ ધન્યતા અનુભવે છે. 

ભાઈબીજની પૌરાણિક કથા એવી છે કે સૂર્યનારાયણ અને દેવી રાંદલ માતાના બે સંતાનોમાં યમરાજા અને યમુના (યમી) છે એમાં યમુના મહારાણીજી મન કર્મ વચનથી ઠાકોરજીને સમર્પિત થઈ ગયા બાદ તેને ભાઈ યમરાજની ખૂબજ યાદ આવે છે. એક દિવસ ઠાકોરજીની રજા લઈને  મયરાજાને પોતાના સાસરાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું. એ દિવસ કારતક સુદ બીજ હતો. અને એ દિવસે યમરાજ બહેનના ઘરે આવ્યા, યમુનાજીએ ભાઈને છપ્પન ભોગ સાથે ભોજન કરાવ્યું જેથી ખુબજ પ્રસન્ન થઈ ગયા.તેમણે ખુશ થઈને બહેનને વરદાન માગવા કહ્યું આથી બહેન યમીએ પોતાના માટે કશું જ ન માંગ્યું પણ ભક્તજનો માટે માંગ્યું કે આજના એટલે કે ભાઈબીજના દિવસે જે યમુનાજીમાં સ્નાન કરે એને યમરાજાનું તેડું ન આવે આ દિવસે નર્કમાં પડેલા જીવોને પણ મુકત કરવામાં આવશે. આથી ભાઈ બહેન સાથે સન્ન કરવા ભાઈબીજના દિવસે યમુનાજી સ્નાન કરવા જવાનો રિવાજ છે. જે લોકો મથુરા ન જઈ શકે એ માધવપુર જાય છે.  ભાઈબીજના દિવસે દરિયાકાંઠે માનવમહેરામણ ઉમટી પડશે. હજારો લોકો સમૂહસ્નાન કરી  માધવરાયજીના દર્શનનો લાભ લેશે. 


Google NewsGoogle News