સોમનાથમાં તા. 22 નવે.થી 5 દિવસ સુધી કાર્તિકી પુર્ણિમાનો મેળો યોજાશે
ત્રિવેણી સંગમ પાસે ગોલોકધામના મેદાનમાં મેળો યોજાશે : 1955થી મેળાની પરંપરાનો પ્રારંભ, જુદા-જુદા 170 સ્ટોલ ઉભા કરવા માટે જગ્યાની ફાળવણી : અનેક શ્રધ્ધાળુ ભાવિકો ઉમટશે
પ્રભાસપાટણ, : ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચદિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળાનો તારીખ ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધીના આયોજન અંગે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ગતિમાં છે. અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દીધી છે.
આ વરસે સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો પવિત્ર ત્રિવેણી સંગમ પાસે આવેલ ગોલોકધામ મેદાનમાં યોજાશે. સોમનાથમાં પ્રથમ મેળો ૧૯૫૫થી શરૂઆત થઇ હતી. જે માત્ર એક દિવસનો જ યોજાતો હતો. પરંતુ એ પછી મેળાના દિવસો લંબાવાતા જ ગયા છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે તા. 27-2-1955ના રોજ કરેલા ઠરાવ મુજબ દર વરસે કાર્તિક પુર્ણિમા મેળાનું આયોજન કરે છે. બે દિવસના મેળા બાદમાં ક્રમશ: ત્રણ દિવસ બાદ પાંચ દિવસનો મેળો યોજવામાં આવે છે. અપવાદરૂપે અહીં કોરોના કાળ અને ભારતૃ-ચીન યુધ્ધ સમયે મેળો સદંતર બંધ પણ રહેલ હતો. જ્યારે વર્ષ 2019માં સંભવિત વાવાઝોડાનાં કારણે 8 નવેમ્બરથી શરૂ થનારો મેળો મોડો એટલે કે 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી તારીખ પાછી ઠેલી યોજાયો હતો.
મેળ પ્રથમ સોમનાથ મંદિર સાનિધ્યે યોજાતો બાદમાં સોમનાથ સમુદ્ર બીચ ઉપર અને ત્યારબાદ વર્ષ 2014 સુધી ગોલોકધામ અને વર્ષ 2015થી બાયપાસ ઉપર યોજાતો રહ્યો છે પરંતુ આ વરસે તે સ્થળે હાઇવે બ્રીજનું કામ ચાલુ હોઇ તેનો સામાન પડેલો હોઇ ત્યાં યોજવો અશક્ય છે જેથી ફરી વર્ષ 2023 માં ગોલોકધામ મેદાનમાં મેળો યોજાશે. અહીં મેળાના સ્ટોલ-પ્રદર્શન માટેની જગ્યાઓ ગોઠવાઇ ગઇ છે.