Get The App

વ્યક્તિગત ડેટા નવી કરન્સી છે, ક્રુડ ઓઈલ કરતા પણ વધારે કિંમતી

Updated: Mar 29th, 2025


Google News
Google News
વ્યક્તિગત ડેટા નવી કરન્સી  છે, ક્રુડ ઓઈલ કરતા પણ વધારે કિંમતી 1 - image

વડોદરાઃ વ્યક્તિગત ડેટા હવે નવું ચલણ બની ગયું છે .દુનિયામાં સૌથી કિંમતી રિસોર્સ હવે ઓઈલ નહીં પરંતુ ડેટા છે અને એટલે જ રાઈટ ટૂ પ્રાઈવસીનું મહત્વ વધી ગયું છે તેમ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારે એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં વકતવ્ય દરમિયાન કહ્યું હતું.

લો ફેકલ્ટીની ડો. બી આર આંબેડકર ચેરના ઉપક્રમે રાઈટ ટૂ પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શન લો ...વિષય પર જસ્ટિસ અરવિંદ કુમારનું વકતવ્ય યોજાયું હતું.તેમણે  કહ્યું હતું કે, ડેટાના વધેલા મહત્વથી ઈનોવેશન તેમજ આર્થિક વિકાસમાં ઉદાહરણરુપ બદલાવ જોવા મળી રહ્યો છે.લોકોની પ્રાઈવસી સૌથી અગત્યનો અને પડકારજનક મુદ્દો બની રહ્યો છે.વર્તમાન ડિજિટલ યુગમાં વ્યક્તિગત ડેટા નવું ચલણ છે.કોઈ પણ વ્યક્તિની ડિજિટલ ફૂટપ્રિન્ટ આસાનીથી શોધી શકાય છે, તેના પર નજર રાખી શકાય છે અને જે-તે વ્યક્તિની સંમતિ વગર આ ડેટાની લે-વેચ કરી શકાય છે.ડિજિટલ ફૂટપ્રિન્ટ સર્વવ્યાપી છે અને તેના કારણે તેના દુરપયોગની શક્યતા વધી જાય છે. આમ વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે પૂરતા ઉપાયો કરવાની તાતી જરુરિયાત છે.

તેમણે કહ્યું હતું કે, વર્તમાન યુગમાં પ્રાઈવસીની વ્યાખ્યા પણ બદલાઈ છે.જે અનુસાર હવે દરેક વ્યક્તિને એકલા રહેવાનો, તેની વ્યક્તિગત  ગુપ્તતા જાળવાનો, વ્યક્તિગત  માહિતી પર નિયંત્રણ રાખવાનો અને કોઈની સાથે નિકટતા જાળવવાનો પૂરેપૂરો અધિકાર છે.

જસ્ટિસ અરવિંદ કુમારે ૨૦૨૩માં અમલમાં આવેલા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એકટ પર ભાર મૂકતા કહ્યું હતું કે,  સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડેટાના થતા દુરુપયોગના કારણે  આ કાયદો લાવવામાં આવ્યો છે.જે લોકોને ઘણા અધિકાર આપે છે.આ કાયદા હેઠળ લોકો પાસે પોતાના ડેટા સુધી સરળતાથી પહોંચવાનો અને તેને મેળવવાનો, ડેટામાં ફેરફાર કરવાનો અને આ ડેટાનો નાશ કરવાનો તથા એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવાનો અધિકાર છે.

ટેકનોલોજીની પ્રગતિ મૂળભુત માનવ અધિકારોના ભોગે ના હોવી જોઈએ 

જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, ડિજિટલ કોલોનાઈઝેશનના વર્તમાન સમયમાં  પોતાની પ્રાઈવસી જાળવી રાખવી એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે અને તેના માટે લોકોમાં વ્યાપક રીતે જાગૃતિ લાવવાની પણ જરુર છે.ન્યાયતંત્ર લોકોના વ્યક્તિગત અધિકારીઓ અને  સ્વાતંત્ર્યની રક્ષા કરવા માટે કટિબધ્ધ છે.ડેટા પ્રોટેક્શન લોને મજબૂત બનાવવા માટે સામૂહિક પ્રયાસો જરુરી છે.ટેકનોલોજીની પ્રગતિ મૂળભુત માનવ અધિકારોના ભોગે ના હોવી જોઈએ.


Tags :