ધારી તાલુકામાં ચોથા દિવસે અંધારપટ્ટઃ ભયંકર સ્થિતિ
- પીવાનાં શુધ્ધ પાણી માટે તરસતા ગ્રામીણ લોકો
- જર, મોરઝર, છતડીયા, હુડલી ગામમાં 10,000 આંબાનું નિકંદન
માત્ર દલખાણીયા ગામમાં જ વાવાઝોડાથી ૩૦ મકાનો ધરાશાયી : અન્ય ગ્રામીણ વિસ્તારોની હાલત પણ અતિ ગંભીર
ધારી, : ધારી તાલુકામાં આવેલા વાવાઝોડાએ ધારી કરતા પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. ગામડાઓમાં કાચા મકાનો ધરાશાયી થયા છે. તો અસંખ્ય આંબાના બગીચાનો સફાયો થયો છે. તો અસંખ્ય આંબાના બગીચાનો સફાયો થયો છે. એક માત્ર ધારીના દલખાણીયા ગામમાં જ ૩૦ કાચા મકાન ધરાશાયી થયા છે. વળી, આજે ચોથા દિવસે પણ વીજ પુરવઠો ઠપ રહ્યો છે અને હવે લોકો પીવાનાં શુધ્ધ પાણી માટે તરસી રહ્યાં છે.
ધારીના ૪૨, મોરઝર, છતડીયા, હુડલી, જરપરા, કુબડા, દલખાણીયા, ગોવિંદપુર વગેરે ગામોમાં સોમવાર રાત્રિના ત્રાટકેલા તોક તે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. સોમવાર રાત્રિથી મંગળવાર સવાર સુધી વાવાઝોડાએ તાંડવ મચાવતા ઉપરોકત તમામ ગામોમાં કાચા મકાનનો જમીન દોસ્ત થયા જ હતા, પણ ખાસ કરીને અહિ આવેલા આંબાના બગીચાઓનો સંપૂર્ણ સફાયો થયો હતો.
અહિ ૧૦ હજાર કરતા આંબાના વૃક્ષ હતા જેમાં મોટા ભાગના ૪૫થી ૫૦ વર્ષ જૂના અને તોતીંગ વૃક્ષો હતા, જે વાવાઝોડામાં જડમૂળથી ઉખડી ગયા હતાં. અને ૪ થી ૫ વર્ષ જૂના વૃક્ષ પણ સાવ ઢળી પડયા હતાં. જેથી વૃક્ષ પરની કેરીની સાથો સાથ વૃક્ષ પણ ઉખડી ગયા હતાં, જેથી માત્ર પાંચથી છ ગામોમાં જ ૨૦ કરોડ રૂપીયાના આંબાના બગીચાનો સફાયો થયો હતો. જેથી અહિના ખેડુતો ભારે નુકસાની વેઠવી પડી હતી. આંબાના વૃક્ષ પર ચારથી પાંચ વર્ષે ફળ આવે છે. જેથી અહિના ખેડુતો ફરીથી કલમો વાવે તો પણ ચાર વર્ષે કોઈ ઉપજ લઈ શકે નહીં. જેથી સરકારે અહિ તાત્કાલીક અસરથી સર્વે કરાવી વળતર આપવા પણ માંગ ઉઠી છે.
ધારીના દુધાળા, રાજસ્થળી, ગઢીયા વગેરે ગામોમાં પણ ભારે નુકશાની થઈ હોવાનું જાણવા મળે છે. ધારી તાલુકાના દલખાણીયા ગામમાં ૩૦ જેટલા કાચા મકાન ધરાશાયી થયા છે. ગામના સરપંચ દ્વારા સમય સુચકતા વાપરી કાચા મકાન ધરાવતા લોકોને વાવાઝોડું આવે તે પહેલા જ શાળામાં ખસેડવામાં આવ્યા હતાં, જેથી કોઈ જાનહાનીનો થયેલ નથી. પરંતુ હાલ આ ગામમાં સ્વચ્છ પીવાના પાણીની પણ સમસ્યા છે. લાઈટ ગુલ હોવાના કારણે ઘરે ઘરે પાણી નથી મળતું તથા એક માત્ર પાણીનો સ્ત્રોત જે લાઈટતી ચાલે છે તે જિળી વેરણ હોવાના કારણે સબમર્શીબલ મોટર બંધ છે, આ અંગે દલખાણીયાથી બહાર વસતા ગામના સ્વજનોએ ગામમાં વિજ પુરવઠો તથા પાણી માટે કલેકટરને ટ્વીટ કરી પાણી અને વિજળી આપવા માંગ કરી છે.
વળી, ધારી તથા ધારી પંથકના મહત્તમ ગામોમાં છેલ્લા ચાર દિવસથી વિજલી ગુલ છે. અહિ મોટાભાગના વિજપોલ ધરાશાયી થયા હતાં જેથી વિજ પુરવઠો હજુ પુર્વવત થયો નથી. જેથી સતત ચોથા દિવસે પણ રાત્રિના અંધાર પટ્ટ છવયેલો રહ્યો હતો. તેમજ મોબાઈલમાં પણ કવરેઝ ન આવતા મોબાઈલ પણ બંધ હાલતમાં છે. અમુક કંપનીન સીમ કાર્ડમાં તુટક તુટક કવરેઝ આવે છે.