બસમાં મુસાફરી વેળા મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો: ડાંગની એન્જિનીયર યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી ST ડ્રાઇવરે તરછોડી દીધી
- મજૂરા ગેટ વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના રહેણાંક ઉપરાંત વાંસદા-વઘઇ રોડના ગેસ્ટ હાઉસમાં અનેક વખત સંબંધ બાંધ્યાઃ ગર્ભ રહેતા કોલ્ડ્રીંકસમાં દવા પીવડાવી ગર્ભ પડાવી નાંખ્યો
- મામલો સરપંચ પાસે પહોંચ્યો પરંતુ ડ્રાઇવર પ્રેમીએ કહ્યું તારે પોલીસ, કોર્ટ-કચેરી જયાં જવું હોય ત્યાં જા, મારૂ બધી જગ્યાએ સેટીંગ છે
સુરત
રીંગરોડ મજૂરા ગેટ વિસ્તારમાં રહેતી ડાંગ જિલ્લાની કોમ્પ્યુટર એન્જિનીયર યુવતીને મુસાફરી દરમિયાન એસ.ટી બસના ડ્રાઇવરે મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીરસંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. પરંતુ પ્રેમીએ કોલ્ડ્રીંકસમાં ગર્ભપાતની દવા પીવડાવ્યા બાદ તારા જેવી અનેક છોકરી સાથે સંબંધ છે, પોલીસ, કોર્ટ-કચેરી જયાં જવું હોય ત્યાં જા, મારૂ બધી જગ્યાએ સેટીંગ છે એવી ધમકી આપી તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
મજૂરા ગેટના કૈલાશ નગર વિસ્તારમાં રહેતી ડાંગ જિલ્લાની 27 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનીયર સ્વાતી (નામ બદલ્યું છે) માર્ચ 2022 માં બેથી ત્રણ વખત સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતેથી બસમાં વતન જતી વેળા બસ ડ્રાઇવર મહેન્દ્ર જીવલુભાઇ ભોયા (ઉ.વ. 35 રહે. ભગત ફળિયું, હનુમાનબારી, તા. વાંસદા, નવસારી) સાથે મિત્રતા અને ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. દરમિયાનમાં ભાભી ભરત કેન્સર હોસ્પિટલમાં દાખલ છે અને પોતે હાલ સુરતમાં છે એમ કહી મહેન્દ્ર સ્વાતીને તેના રહેણાંક ખાતે ગયો હતો. જયાં રાત્રી રોકાણ વેળા પ્રથમ વખત બંનેએ સંમતિથી શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંનેએ અનેક વખત સ્વાતીના સુરત ખાતેના અલગ-અલગ વિસ્તારના ભાડાના રહેણાંક ઉપરાંત વાંસદા-વધઇ રોડ ઉપર ગણેશ ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કરી શરીરસંબંધ બાંધ્યા હતા અને ફેબ્રુઆરી 2023 માં સ્વાતીને ગર્ભ રહેતા લગ્ન માટે દબાણ કર્યુ હતું. પરંતુ મહેન્દ્રએ માતા-પિતાને વાત કરૂ છું એમ કહી સમય પસાર કર્યા બાદ એક વખત મળવાના બહાને કોલ્ડ્રીંકસમાં ગર્ભ પડી જાય તેવી ગોળી પીવડાવી દેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.
આ અરસામાં મહેન્દ્રને અન્ય યુવતી સાથે પણ સંબંધ હોવાની જાણ થતા તેની સાથે સંબંધ તોડી લગ્ન માટે દબાણ કરતા સ્વાતીને માર માર્ય હતો અને મામલો મહેન્દ્રના ગામના સરપંચ સુધી પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પણ મહેન્દ્રએ લગ્નનો ઇન્કાર કરી તારા જેવી અનેક છોકરી સાથે સંબંધ છે, તારે પોલીસ, કોર્ટ-કચેરી જયાં જવું હોય ત્યાં જા, મારૂ બધી જગ્યાએ સેટીંગ છે એવી ધમકી આપી તરછોડી દીધી હતી. પોલીસ મહેન્દ્રની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.