ભાવનગરમાં કાલથી સ્વર્ણિમ સ્પંદન ઉત્સવ, ૭૦૦થી વધારે પૂર્વ વિદ્યાર્થી ભાગ લેશે
દક્ષિણામૂર્તિ વિનય મંદિરની પુનઃ સ્થાપનાની સુવર્ણ જયંતિની ઉજવણીના અવસરે
અમેરિકા, કેનેડા સહિતના દેશમાંથી પૂર્વ છાત્રોનું આગમન: વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભાવનગર,તા.21 નવેમ્બર-2023, ગુરુવાર
ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત દક્ષિણામૂર્તિ વિનય મંદિરની પુનઃ સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે સુવર્ણ જયંતી મહોત્સવ સ્વર્ણિમ સ્પંદન અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપનાને ૧૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે દક્ષિણોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ આગામી ૨૩ અને ૨૪ ડિસેમ્બરનાં રોજ રાખેલ છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી ૭૦૦થી વધારે પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ શિક્ષકો, વર્તમાન કર્મચારીઓ દ્વારા બે દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને અમેરિકા, કેનેડા સહિતના વિશ્વના જુદાજુદા દેશમાં વસતા પૂર્વ છાત્રો આવી પહોંચશે.
તા.૨૩મીને શનિવારે બપોરે ૩.૩૦ કલાકથી શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર, બાલપમરાટ અભિવ્યક્તિ રંગમંચ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકો બાળ રમતો, અંતાક્ષરી, પૂર્વ શિક્ષકોનું સન્માન અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ મ્યુઝિકલ નાઈટનો લાઈવ કોન્સર્ટ અલગારી બેન્ડ રજૂ કરશે. તા.૨૪મીને રવિવારે સવારે ૯.૦૦ કલાકથી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે દક્ષિણમૂર્તિ વિનય મંદિરના પૂર્વ શિક્ષકોનું સન્માન, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન વિઝન અને મિશન, ચમકતે સિતારે, કે જે અંતર્ગત દક્ષિણામૂર્તિ માંથી અભ્યાસ કરીને ગયેલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ વિશ્વ કક્ષાએ નામ ફેલાયું છે, તેવા લોકોની સક્સેસ સ્ટોરી અને તમામ પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગને અનુલક્ષીને સમગ્ર દક્ષિણામૂર્તિ પરિસર સુશોભિત તેમજ રોશનીથી પ્રકાશિત કરેલ છે. ભાવનગરના કોઈપણ વ્યક્તિ પરિવાર સાથે શુક્રવારે એટલે કે તા.૨૨મીની રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન દક્ષિણામૂતની મુલાકાત લઈ શકે છે. તા.૨૩ અને તા.૨૪ના રોજ કાર્યક્રમ ફક્ત અને ફક્ત રજિસ્ટ્રેશન કરાવનાર આમંત્રિતો માટે જ મર્યાદિત રાખેલ છે. આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો સમગ્ર સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.